પતિના મોતના આઘાતમાં વર્માનગરની પ્રૌઢા દોટ મૂકી માંડવીના સમુદ્રમાં સમાઇ

ભુજ, તા. 20 : દોઢેક મહિના પહેલાં પતિનું મૃત્યુ થતાં આઘાતના કારણે વિહ્વળ બનેલી લખપત તાલુકાના વર્માનગર ગામની ચેતનાબેન ચન્દ્રકાંત મહેતા (ઉ.વ.52) નામની મહિલાએ માંડવીના સાગરમાં સમાઇ જઇને મોતની સોડ તાણી લીધી હતી.  બહાર આવેલી વિગતો અનુસાર આજે બપોરે હતભાગી ચેતનાબેન મહેતા માંડવીના સમુદ્રકાંઠે પહોંચી હતી. ઉછળતા મોજાં વચ્ચે પાણીમાં દોટ મૂકયા બાદ તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ દ્રશ્યને નજરે જોનારા લોકોએ મહિલાને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા. પણ પાણીમાંથી બહાર કઢાયા બાદ આ હતભાગીને 108 મારફતે હોસ્પિટલ પહેંચાડાઇ ત્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ સંદર્ભે વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્માનગર ગામે રહેતી ચેતનાબેનના પતિનું દોઢેક મહિના પહેલાં અવસાન થયું હતું. આ બનાવ બાદ આઘાતમાં તે વિહ્વળ રહેતી હતી. આ અવસ્થામાં તેણે સબંધીના ઘરે માંડવી આવ્યા બાદ આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. આ ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer