લેણાના બોજ તળે પાનધ્રો પંચાયતે પાણી બંધ કર્યું

દયાપર (તા. લખપત), તા. 20 : તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાનધ્રો ગ્રામ પંચાયત પર પાણી પુરવઠા બોર્ડ પાણી વેરા પેટે 25 લાખનું લેણું ચડી જતાં ગ્રામ પંચાયત હરક્તમાં આવી છે. ખુદ ગ્રામ પંચાયતે ગ્રામજનોના 15 લાખ રૂપિયા કરવેરા પેટે બાકી છે, જેની વસૂલાત કરવા પાનધ્રો નવાનગર, સોનલનગર, એકતાનગર, અપનાનગર વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ સદંતર ઠપ કરી દીધું છે. બે દિવસથી પાણી પુરવઠો બંધ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. તો પંચાયતના આ નિર્ણયને તઘલખી નિર્ણય પણ કહી રહ્યા છે. જ્યારે બીજી બાજુ પંચાયત કહે છે વેરા વગર પાણી સંચાલન કેમ ચલાવવું? તાજેતરમાં પાનધ્રો પંચાયતની પાણી સમિતિમાં આ મુદ્દો ચર્ચાતાં સમિતિએ અડધાથી ઉપરના જોડાણ કરાવવા, બબ્બે જોડાણ લીધેલા હોય તે રદ કરવા, વ્યક્તિદીઠ રૂા. 100 પાણીવેરો ઉઘરાવવા, નવા જોડાણો માટે રૂા. 1000 ચાર્જ લેવો તેમજ પાણીના યોગ્ય સંચાલન અર્થે વેરો ન ભરાતાં પાણી પુરવઠો બંધ કરવો તેવું નક્કી કર્યું હતું. પાનધ્રો ગ્રામ પંચાયતે પાણી પુરવઠા બોર્ડ, જીઈબી, જીએમડીસીને પત્ર લખી પાનધ્રો વિસ્તાર તેમજ તેના સમાવિષ્ટ  ગામોનાં પાણીના ટેન્કરો ભરવા ન દેતાં ગોધાતડ  ડેમ પરથી પણ પાણી ભરવા ન દેવા તેવી લેખિતમાં જાણ કરી છે. ગામના સરપંચ ભગવતીબેન સોલંકીએ નાયબ કાર્યપાલક ઈજનેરને પણ પાણીના ટેન્કરો ન ભરવા દેવા તેમજ વિસ્તારોને પાણી ન આપવા પત્રમાં લખ્યું છે. બીજી બાજુ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને પાનધ્રોના અગ્રણી દેશુભા જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જેમણે વેરા નથી ભર્યા તેના પાણી બંધ થાય પરંતુ જેઓ કાયદેસર વેરો સમયસર ભરતા આવ્યા છે. તેમના પણ પાણી સપ્લાય બંધ કરાય છે જે યોગ્ય નથી. દુષ્કાળનો કપરો કાળ છે.  પાનધ્રો લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે પરંતુ સરપંચનો વારંવાર સપંર્ક કર્યા પછી પણ નો-રિપ્લાય આવતો હતો.  ગામના પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢાનો સંપર્ક?કરતાં તેમણે આ બાબતે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતે લેખિતમાં ટેન્કરો ન ભરવા તેમજ પાણી સપ્લાય બંધ કર્યો છે.  ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા સંચાલન માટે એક ઓપરેટરને પગાર, મોટર રિપેરિંગ, મેઈન્ટેનન્સ ખર્ચ સહિત મહિને રૂપિયા 15થી 20 હજાર ખર્ચ થાય છે. વર્ષ 2014થી વેરા બાકી છે, વર્ષ 2017 પછી કોઈએ વેરા ભર્યા જ નથી. વસાહતો સરકાર માન્ય થઈ નથી કે જમીન સંપાદન થઈ નથી તે રહેવાસીઓને પાણીની પહોંચ પંચાયત કેમ આપે છે તેવા પ્રશ્નના જવાબમાં શ્રી સોઢાએ કહ્યું હતું કે તેમને પાણી સમિતિની પહોંચ અપાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer