ધોનીએ વિન્ડિઝ પ્રવાસમાંથી નામ પાછું ખેંચ્યું
નવી દિલ્હી, તા. 20 (પીટીઆઈ) : નિવૃત્તિની તેજ અટકળો વચ્ચે પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ વેસ્ટઈન્ડિઝના આગામી પ્રવાસ માટે પોતાને અનુપ્લબ્ધ જાહેર કર્યો હતો જો કે, તાત્કાલિક સન્યાસની વાત પણ નકારી કાઢી હતી. વિન્ડિઝના પ્રવાસ માટે ટીમ પસંદ કરવા પસંદગીકારોની બેઠકના એક દિવસ પહેલાં માહીએ આ એલાન કરાવ્યું હતું. વર્લ્ડકપની સેમિફાઈનલમાં ભારતના પરાજય અને ધોનીના સરેરાશ પ્રદર્શનને પગલે 38 વર્ષના આ ક્રિકેટરે નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવી પણ એક વર્ગમાં માંગ ઊઠી છે ત્યારે માહીએ બીસીસીઆઈને જણાવ્યું છે કે તે અર્ધલશ્કરી દળોની ટુકડીમાં ફરજ બજાવવાને લઈને ક્રિકેટથી બે મહિનાનો વિરામ લેવા માગે છે. ઉલ્લેખનીય છે કે ધોની પ્રાદેશિક સેનાની પેરાશૂટ રેજિમેન્ટમાં ધોની માનદ લેફ્ટનન્ટ કર્નલ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હાલના તબક્કે ધોની નિવૃત્ત થઈ રહ્યો નથી. તે જેના માટે અગાઉથી પ્રતિબદ્ધ છે એ અર્ધલશ્કરી દળમાં બે માસ સુધી ફરજ બજાવવાને લઈને ક્રિકેટથી બે માસ વિરામ લેવાનો છે. અમે તેના આ નિર્ણય અંગે સુકાની વિરાટ કોહલી અને પસંદગી સમિતિના અધ્યક્ષ એમ.એસ.કે. પ્રસાદને જાણ કરી છે. અધિકારીએ કહ્યું હતું કે એક વાત સ્પષ્ટ છે કે પસંદગી સમિતિ કોઈને ક્રિકેટ છોડવા માટે કહી શકે નહીં. હા, ટીમની પસંદગી એ તેમનો અધિકાર છે. છેલ્લા કેટલાક સમયથી ધોની મધ્ય હરોળમાં અગાઉ જેવો કરિશ્મા બતાવવામાં નાકામ જઈ રહ્યો છે અને પસંદગીકારો પણ તેને વિન્ડિઝ પ્રવાસમાં વિરામ આપવાના અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમ પસંદગીના મૂડમાં હતા.