માધાપરમાં ગાળાગાળી અને ધાકધમકી સાથે તલાટી મંત્રીની ફરજમાં રૂકાવટ

ભુજ, તા. 20 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના સમૃદ્ધ ગામ માધાપર ખાતેની જૂનાવાસ વિસ્તારની ગ્રામ પંચાયત કચેરીમાં લગ્નની નોંધણીની કાર્યવાહી ઝડપથી કરી આપવાના મામલે તલાટી હરદેવાસિંહ ભગુભા ઝાલા સાથે માથાકુટ કરીને તેમને ગાળાગાળી અને ધાકધમકી સાથે પૂર્વ ગ્રામસેવક પ્રહ્લાદાસિંહ ગોહિલે ફરજમાં રૂકાવટ કરી હોવાની ફોજદારી ફરિયાદ લખાવાઇ છે. માધાપર ખાતે જૂનાવાસ ગ્રામ પંચાયત કચેરીમાં ગઇકાલે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે આ ડખ્ખો થયો હતો. પૂર્વ ગ્રામસેવક એવો આરોપી પ્રહ્લાદાસિંહ ગોહિલ તેના છોકરાના લગ્નની નોંધણીના કામ માટે ગ્રામ પંચાયતમાં આવ્યા બાદ તેણે કામ ઝડપથી કરી આપવા તલાટી કમ મંત્રી હરદેવાસિંહ ઝાલાને કહ્યું હતું. તલાટીએ કાયદેસરની પ્રક્રિયા પ્રમાણે કામ થશે તેવું કહેતાં આ સમગ્ર મામલો બિચકયો હતો. ફરિયાદને ટાંકીને પોલીસ સુત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને ગાળો આપીને ધાકધમકી કરી હતી અને ગ્રામ પંચાયતનું કામકાજ ખોરવી નાખવા સાથે ફરજમાં રૂકાવટ કરી હતી તેવું લખાવાયું છે. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકે વિધિવત ગુનો દાખલ કર્યા બાદ હેડ કોન્સ્ટેબલ જયસુખ માલકિયાએ તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer