નાણાંની લેતી-દેતીને લઈને મરવા માટે મજબૂર કરવા અંગે બે જણ સામે ગુનો

ગાંધીધામ, તા. 20 : સંકુલમાં પોલીસતંત્ર દ્વારા વ્યાજખોરો સામે ચાલતી કાયદાકીય કાર્યવાહી વચ્ચે બે  આરોપીઓએ પૈસાની લેતી-દેતીના મુદ્દે ગાંધીધામના  યુવાનને ત્રાસ આપી  આત્મહત્યા માટે મજબૂર કર્યો હોવાનો  મામલો  પોલીસે ચોપડે નોંધાયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  મોહનભાઈ પૂનાભાઈ કાંટેજાએ  આરોપી  જગદીશભા ગઢવી (અંજાર) અને સુરેશ મારવાડી (ગળપાદર)   વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે  ભોગ બનનારા યુવાનના પિતાએ  મકાનના સાટા ખત સામે આરોપી જગદીશભા પાસેથી રૂ. 35 હજાર લીધા હતા. આ   રકમ   આપી દીધી હોવા છતાં આ શખ્સો  દ્વારા   અવાર -નવાર  તેને તથા તેના પિતાને  હેરાન- પરેશાન કરી જાતિ અપમાનિત કરતા  હતા.  જેને પગલે શહેરમાં   કપડાંના શો-રૂમની દુકાનમાં  કામ કરતા મોહનભાઈએ હાથના ભાગે બ્લેડ વડે છેકા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપીઓ  પોલીસને નામ લખાવ્યું તો  જાનથી  મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. આ અંગે  ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકના  પી.આઈ. ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ પરમારે આગળની તપાસ  હાથ ધરી  છે. નોંધપાત્ર છે  કે  ગાંધીધામ -અંજાર વિસ્તારમાં દિન-પ્રતિદિન વ્યાજખોરોનો આતંક  વધી રહ્યો છે. અલબત્ત આવા માથાભારે  તત્ત્વોથી ડરીને  પોલીસની  પાસે  આવતા લોકો અચકાતા હોવાથી  આવા  તત્ત્વોને બળ મળી રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer