ધાણેટીમાં પડી જવાથી બેભાન મળેલા યુવાનનું મોત : ભુજમાં અજ્ઞાત શખ્સ મૃત હાલતમાં મળ્યો

ભુજ, તા. 20 : તાલુકાના ધાણેટી ગામે પડી ગયા બાદ બેશુદ્ધ હાલતમાં મળેલા અજિતાસિંહ વેલુભા જાડેજા (ઉ.વ.37)ને મોત આંબી ગયું હતું, તો ભુજમાં પ્રૌઢ વયનો અજ્ઞાત શખ્સ કોઇ કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ગામે ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં રાધાબેન કુંભાભાઇ પરમાર (ઉ.વ.60) નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર આહીરપટ્ટીના ધાણેટી ગામે બસ સ્ટેન્ડ નજીક ગામનો અજિતાસિંહ જાડેજા નામનો યુવક પડી ગયા બાદ ગતરાત્રે 11.30 વાગ્યાના સુમારે બેભાન મળી આવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ યુવાન કઇ રીતે પડી ગયો તેના સહિતની વિગતો વિશે તપાસ હાથ ધરી છે. બીજીબાજુ ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ સ્થિત ક્રિષ્ના ચેમ્બર્સ નામની ઇમારત નીચેથી અંદાજિત 50થી 55 વર્ષની વયનો અજાણ્યો પુરુષ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. સત્તાવાર સાધનોએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે બપોરે અઢી વાગ્યાના સુમારે આ હતભાગી મૃત મળી આવ્યો હતો. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાની અને તેનું મૃત્યુ કયા કારણે થયું તેના કારણો સહિતની છાનબીન હાથ ધરી છે.  દરમ્યાન વાગડ વિસ્તારમાં ભીમાસર ભુટકિયા ગામના રાધાબેન પરમારનું અપમૃત્યુ થયું હતું. પ્રૌઢ વયના આ મહિલા ગઇકાલે સાંજે તેમના ઘરમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગત મોડીરાત્રે તેમણે દમ તોડયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer