માધાપર ખાતે ખાનગી પેઢીના ગોદામનાં તાળાં નકલી ચાવીથી ખોલી દોઢ લાખની ચોરી

ભુજ, તા. 20 : તાલુકાના માધાપર ગામ નજીક ધોરીમાર્ગ ઉપર ચન્દ્રમૌલી એજન્સી નામની ખાનગી પેઢીના ગોદામમાંથી નકલી ચાવીથી તાળું ખોલીને બે સેલ્સમેન રૂા. દોઢ લાખની રોકડ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં લખાવાઇ છે. હાલે માધાપર ગામે રહેતા પેઢીના સંચાલક નરેન્દ્ર પોપટ વાઝા (પટેલ) દ્વારા ગઇકાલે આ મામલા વિશે તેમની પાસે સેલ્સમેન તરીકે નોકરી કરતા ભુજના રોનક રમેશ મંડોરા અને મીત સુભાષભાઇ જોયસર સામે આ ગુનો દાખલ કરાવાયો હતો. પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક મહિના પહેલાં અલગ-અલગ સમયે તથા ગત તા.18/7 ના બપોરે ચોરીની આ ઘટના બની હતી. જેમાં એજન્સીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા બન્ને આરોપીએ ગોદામના શટરનાં તાળાંની નકલી ચાવી બનાવી તેના વડે તાળાં ખોલી ટેબલના ખાનામાંથી રૂા. દોઢ લાખની રોકડ તફડાવી હતી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર બી.પી. પતાણીએ કેસની તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer