કચ્છમાં દારૂના કેસમાં 186 જણ છ માસથી અને 72 આરોપી વર્ષથી ભાગેડુ

ભુજ, તા. 20 : દેશી કે અંગ્રેજી પ્રકારના દારૂના કચ્છ જિલ્લામાં નોંધાયેલા કેસમાં સંડોવણી ધરાવતા હોય તેવા 186 આરોપી છ મહિનાથી અને 72 તહોમતદાર એક વર્ષથી વધુ સમયથી ન પકડાતા હોવાની વિગતો સત્તાવાર રીતે સપાટી ઉપર આવી છે. રાજ્ય વિધાનસભાના બજેટ સત્રની ચર્ચા દરમ્યાન કોંગ્રેસી ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સમગ્ર રાજ્યની વિગતો ગૃહમંત્રી દ્વારા પેશ કરાઇ તેમાં કચ્છ જિલ્લાની આ માહિતી પણ બહાર આવી હતી. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં છેલ્લાં બે વર્ષ દરમ્યાન દેશી દારૂના 3804 અને અંગ્રેજી પ્રકારના દારૂના 1133 કેસ પોલીસ દ્વારા નોંધાયા છે. જેમાં કુલ 5884 આરોપીની ધરપકડ કરાઇ છે. જ્યારે 120 આરોપીઓ હજુ કાયદાના રક્ષકોના હાથમાં આવ્યા નથી. તો ભાગેડુ તહોમતદારો પૈકી છેલ્લા છ મહિનાથી વધુ સમયથી હાથમાં ન આવતા હોય તેવા 186 અને બાર મહિનાથી નાસતા-ફરતા હોય તેવા 72 આરોપીનો સમાવેશ થતો હોવાનું વિધાનસભામાં અપાયેલા ઉત્તરમાં વિગતો આપતાં જણાવાયું હતું.  સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સમયગાળા દરમ્યાન દારૂ સબંધી 1,32,415 કેસ નોંધાયા હોવાનું અને તેમાં 29989 વિદેશી દારૂના કેસ હોવાની વિગતો પણ પેશ કરાઇ હતી. રાજ્યમાં દૈનિક સરાસરી 181 દારૂના કેસ નોંધાતાં હોવાનું અને અંગ્રેજી દારૂના 41 કેસ નોંધાતા હોવાનું જણાવાયું હતું. રાજ્યના આ તમામ કેસોમાં 1105 આરોપી છ મહિનાથી વધુ સમયથી અને 4762 આરોપી છેલ્લાં એક વર્ષથી હાથમાં ન આવતા હોવાની વિગતો પણ અપાઇ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer