આજે વિન્ડિઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી

મુંબઇ, તા. 18 : વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમની એમએસકે પ્રસાદના અધ્યક્ષતાવાળી સમિતિ શુક્રવારે પસંદગી કરશે ત્યારે કેપ્ટન વિરાટ કોહલીની ઉપલબ્ધતા અને એમએસ ધોનીના ભવિષ્ય પર બધાની નજર રહેશે. 38 વર્ષીય ધોની હવે બેસ્ટ ફિનિશર નથી રહ્યો. તેણે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ સંન્યાસ વિશે કાંઇ કહ્યંy નથી, પણ અટકળોનો દોર સતત ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને તા. 3 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણ-ત્રણ મેચ ટી-20 અને વન ડે રમવાની છે. બે ટેસ્ટની શ્રેણી પણ રમાશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને પસંદગીકારો રિષભ પંતને મોકો આપી શકે છે. જેને ધોનીનો વારિસ માનવામાં આવી રહ્યો છે. ધોનીને છેલ્લે ગયા વર્ષે ઓકટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયામાં ટી-20 શ્રેણી માટે પસંદ કરાયો હતો. જો કે આ વખતે પૂરી સંભાવના છે કે ધોનીને વિશ્રામ મળી શકે છે. સુકાની વિરાટ કોહલીની ઉપલબ્ધીનો મુદ્દો પણ મહત્ત્વનો બની રહેશે. પહેલા એવી ખબર આવી હતી કે કોહલીને વિશ્રામ મળશે, પણ હવે એવું જાણવા મળે છે કે ખુદ કોહલીને વેસ્ટ ઇન્ડિઝમાં ફકત ટેસ્ટ શ્રેણી જ નહીં લિમિટેડ ઓવર્સની સિરીઝમાં પણ ભાગ લેવાની ઇચ્છા દર્શાવી છે. જો કોહલીને વિશ્રામ મળશે તો રોહિત શર્મા ટી-20 અને વન ડેનો કપ્તાન બનશે. ઝડપી બોલર જસપ્રિત બુમરાહના વિશ્રામ પર પસંદગીકારો નિર્ણય લેશે. મિડલઓર્ડરમાં મનીષ પાંડે અને શ્રેયસ અય્યરની વાપસી લગભગ થશે. વર્લ્ડ કપમાં વિજય શંકરના સ્થાને સામેલ થયેલ મયંક અગ્રવાલ પણ પસંદ થઇ શકે છે. દિનેશ કાર્તિક અને કેદાર જાધવને પડતા મુકવામાં આવશે. આ બન્ને વિશ્વ કપમાં નિષ્ફળ રહ્યા હતા. નવા ચહેરા રાહુલ ચહર, નવદીપ સૈની, દીપક ચહર, અવેશ ખાન અને ખલીલ અહમદ પણ પસંદગીકારો વિચાર કરી શકે છે. ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા, આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા સહિતના અનભુવી ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer