પેરિસની પ્રતિષ્ઠિત સાઇકલ રેસમાં કચ્છના સાઇકલવીરની પસંદગી

પેરિસની પ્રતિષ્ઠિત સાઇકલ રેસમાં  કચ્છના સાઇકલવીરની પસંદગી
ભુજ, તા. 18 : ફ્રાન્સમાં પેરિસ-બ્રેસ્ટ-પેરિસ વચ્ચેની પ્રતિષ્ઠિત સાઇકલ રેસમાં દુનિયાભરના ચુનંદા સાઇકલવીરો ભાગ લેતા હોય છે. આ વર્ષે 18થી 22 ઓગસ્ટ વચ્ચે આયોજિત આ 1200 કિલોમીટરની કઠિન અને રોમાંચક રેસમાં કચ્છના પણ એક સાઇકલિસ્ટ ભાગ લેશે. આ રેસ માટેના મુશ્કેલ માપદંડોમાં ખરા ઊતરીને ભુજ બાઇસિકલ કલબ (બી.બી.સી.)ના સભ્ય જિજ્ઞેશ નિરંજનભાઇ જેઠવા પેરિસ-બ્રેસ્ટ-પેરિસ (પીબીપી) રેસ માટે પસંદ થયા છે. ભુજવાસીઓમાં સાઇકલ સવારીથી ફિટનેસ ફંડાને ઉત્તેજન આપનારા બી.બી.સી.ના પ્રણેતા ડો. કમલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ પીબીપી રેસ છેક 1931થી યોજાય છે. જેના માટે ઓડક્સ ઇન્ડિયાના વાલીપણા હેઠળ એક વર્ષમાં નિયત સમય સાથેની ચાર (200, 300, 400 અને 600 કિલોમીટર) રેસ પૂરી કરવા ઉપરાંત એ જ વર્ષે 1000 કિ.મી.ની કઠિન રેસ પણ પૂરી કરવાની હોય. જેમાં જિજ્ઞેશ જેઠવા સફળ રહ્યા હોવાથી તેઓ પી.બી.પી.માં બી.બી.સી.ના પ્રતિનિધિ તરીકે ભાગ લેશે. જિજ્ઞેશ જેઠવાના જણાવ્યા અનુસાર છેલ્લા ચારેક વર્ષથી સાઇકલિંગનો વિશેષ શોખ કેળવાયો છે. એશિયાના સૌથી મોટા 526 ફૂટની ઊંચાઇએથી બન્જી જમ્પિંગ ચદ્દર ટ્રેક પર માઇનસ 35 ડિગ્રીમાં બુલેટ રાઇડિંગ સહિતની સાહસિક પ્રવૃત્તિઓ કરી ચૂક્યો છું. હવે લક્ષ્ય પી.બી.પી.નું છે. 1200 કિ.મી.ની રેસ કુલ 90 કલાકમાં પૂરી કરવાની હોય અને તેને સફળતાથી પૂરી કરનારાઓનો રેશિયો 7થી 8 ટકાનો જ હોય છે. ઉલ્લેખનીય છે કે પી.બી.પી. રેસમાં ભાગ લેનારા જિજ્ઞેશ કચ્છના પ્રથમ સાઇકલવીર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer