કોચની પસંદગીમાં કોહલી દખલીગીરી કરી શકશે નહીં
મુંબઇ તા. 18 : બીસીસીઆઇ દ્વારા નવા કોચિંગ સ્ટાફ માટે ઓનલાઇન અરજી માંગવામાં આવી છે. આ ઉપરાંત કોચિંગ સ્ટાફની પસંદગી માટે કપિલ દેવના વડપણ હેઠળ અંશુમન ગાયકવાડ અને પૂર્વ મહિલા ક્રિકેટર શાંતા રંગાસ્વામીની કમિટી બનાવી હોવાના રિપોર્ટ છે. બે વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તે સમયના કોચ અનિલ કુંબલે વચ્ચેના મતભેદ બહાર આવ્યા હતા. આ પછી સચિન, લક્ષ્મણ અને ગાંગુલીની કમિટીએ વિરાટની દરમિયાનગીરીથી રવિ શાત્રીની કોચ તરીકે અને તેના મનપસંદ લોકોની સપોર્ટ સ્ટાફમાં પસંદગી કરી છે. આ વાત ધ્યાને રાખીને હવે બીસીસીઆઇની સંચાલન સમિતિએ સચિન-લક્ષ્મણ- ગાંગુલીની કમિટીને કોચની પસંદગીનું કામ આ વખતે સોંપ્યું નથી. આમ પણ તેઓ યેનકેન પ્રકારે આઇપીએલની કોઇ ને કોઇ ફ્રેંચાઇઝી સાથે જોડાયેલા છે. બીસીસીઆઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એમ પણ જણાવ્યું કે, આ વખતે કેપ્ટન વિરાટ કોહલીની કોચ પસંદગીમાં કોઇ ભૂમિકા રહેશે નહીં. તેની દરમિયાનગીરી રહેશે નહીં. એવું જાણવા મળે છે કે 1પ સપ્ટેબરથી દ. આફ્રિકા સામે શરૂ થતી હોમ સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ મળી જશે.