શિકારપુર પાસે 46.41 લાખનો શરાબ ઝડપાયો

શિકારપુર પાસે 46.41 લાખનો શરાબ ઝડપાયો
ગાંધીધામ, તા. 18 : ગાંધીના ગુજરાતમાં દારૂ`બંધી' વચ્ચે દારૂની ખપતનો વધુ એક નમૂનો સપાટી પર આવ્યો છે. જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી નજીક શિકારપુર પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી સ્થાનિક ગુનાશોધક શાખાએ એક ટ્રકમાંથી રૂા. 46,41,600ના શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. તો બીજી બાજુ ભચાઉના દરબારગઢ વિસ્તારમાં એક કારમાંથી રૂા. 78,700નો શરાબ હસ્તગત કરી એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. જ્યારે ત્રણેક શખ્સો પોલીસના હાથમાં આવ્યા નહોતા. પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શિકારપુર નજીક છપરા બિહાર હોટેલ સામે વોચ ગોઠવવામાં આવી હતી. અહીંથી પસાર થનારી ટ્રક નંબર ટી.એન. 90-3852ને પોલીસે રોકાવી હતી. આ ટ્રકની તલાશી લેવાતાં ઉપર તાલપત્રી અને નીચે જૂના ફ્રીઝ નજરે પડયા હતા. દરમ્યાન આ જૂના ફ્રીઝ હટાવીને પોલીસે જોતાં તેમાંથી શરાબની પેટીઓ નીકળી પડી હતી. જૂના ફ્રીઝની આડમાં કચ્છમાં દારૂ ઘૂસાડનાર ટ્રકના ચાલક અને ક્લીનર એવા જમ્મુ કાશ્મીરના ગુરુદીપસિંઘ અંતરસિંઘ બસિઠ તથા યશપાલસિંઘ ઇસરસિંઘ બસિઠની પોલીસે ધરપકડ કરી હતી. આ ટ્રકમાંથી 750 એમ.એલ.ની બોટલ તથા 180 એમ.એલ.ના ક્વાર્ટરિયાની કુલ્લ 982 પેટી કિંમત રૂા. 46,41,600નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આ શખ્સો પાસેથી દારૂ, ટ્રક, જૂના ફ્રીઝ વગેરે મળીને કુલ્લ રૂા, 56,58,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ દરોડામાં એલ.સી.બી. પી.આઇ. ડી.વી. રાણા સાથે પી.એસ.આઇ. શ્રી રહેવર, સ્ટાફના મહેન્દ્રસિંહ જાડેજા, દેવરાજ આહીર, લક્ષ્મણભાઇ, હરપાલસિંહ, પ્રહલાદસિંહ, પુષ્પરાજસિંહ વગેરે જોડાયા હતા. આ શખ્સોએ ક્યાંથી માલ ભર્યો હતો અને કચ્છમાં ક્યાં અને કેવી રીતે ઉતારવાનો હતો તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ભચાઉના દરબારગઢમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં રહેલી એક કારમાંથી 184 બોટલ તથા 108 બિયરના ટીન એમ કુલ્લ રૂા. 78,700નો શરાબ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન હરદેવસિંહ જસુભા ઝાલાને પકડી પાડયો હતો. જ્યારે અન્ય ત્રણેક શખ્સો પોલીસના હાથમાં આવ્યા ન હતા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્થાનિક ગુનાશોધક શાખાએ દારૂના ગુણવત્તાસભર કેસ કરતાં હવે આ પ્રકરણમાં કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તેવી ચર્ચા ખુદ પોલીસ બેડાંમાં થઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer