બી.એડ્. મુદ્દો 23મીની બેઠક પર નિર્ભર

ભુજ, તા. 18 : કચ્છની ત્રણ બી.એડ. કોલેજો ભુજની એમ.ડી. એજ્યુકેશન, આશાપુરા બી.એડ. કોલેજ અને આદિપુર સ્થિત એચ.આર. ગજવાણીની પ્રવેશ પ્રક્રિયા સામે એનસીટીઇ (નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન) દ્વારા લાગેલી રોકનો મામલો હજુ ઠેરનો ઠેર છે, તાજેતરની બાકીની ત્રણ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લગભગ છાત્રોને પ્રવેશ આપી દેવાયો છે. પરંતુ માન્યતાના પ્રશ્ને પ્રવેશ શરૂ ન થઇ શકેલી ત્રણેય કોલેજોની 200 બેઠકોમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. જો કે, એનસીટીઇની વિલંબ અને સમયસર જવાબ ન આપવાની કે કોર્ટના આદેશનો પણ યોગ્ય રીતે પાલન ન કરાવાથી છાત્રો હજુ ઉચાટમાં જ છે. યુનિ.ની કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં 638 જેટલી અરજીઓની સામે 150ને પ્રવેશ આપી શકાયો છે, પરંતુ હવે આગામી 23મી જુલાઇએ મળનારી બેઠક પર મીટ મંડાયેલી છે. વિશ્વસનીય રીતે કોલેજના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ કોલેજોએ માન્યતા માટેના જરૂરી 2017માં દાખલ નવા ધોરણોની પૂર્તતા અગાઉ પૂર્ણ કરી જ લીધી છે. પરંતુ યોગ્ય રીતે કાઉન્સિલે મુદ્દો હાથ ન ધરતાં કે પ્રતિભાવ આપવાનીય તસ્દી ન લેતાં આ સ્થિતિ પેદા થઇ છે. યુનિવર્સિટી પણ કોઇ જોખમ લેવા તૈયાર ન હોવાનું કહે છે અને સત્તાવાર કાગળ બાદ જ આગળ વધશે તેમ કહે છે. ત્યારે હવે આગામી 23થી 25મીના મળનારી બેઠક પર મીટ મંડાઇ છે. દર મહિને મળતી બેઠકોમાં કાઉન્સિલ આવા મામલા હાથ પર લે છે. જેમાં નિર્ણય બાદ વેબસાઇટ પર માહિતી અપલોડ કરી દેવામાં આવશે. એથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં બાકી ત્રણ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા આરંભ થઇ શકે તેવી આશા રાખી શકાય. એમ.ડી. કોલેજના સૂત્રોનું કહેવું છે કે, તમામ ઉઠાવાયેલા પ્રશ્નોનો જવાબ આપી દેવાયો છે. નેટવાળા અધ્યાપકો મૂકી દેવાયા છે. હવે બેઠક પર મીટ છે. એચ.આર. કોલેજના સૂત્રો કહે છે કે, અમારી ગેરમાન્યતા અંગે કાઉન્સિલે કહ્યું જ નથી. અધૂરાશો હવે પૂરી છે. પણ મુદ્દો હવે એનસીટીમાં પડતર છે. ભુજની આશાપુરા બી.એડ.નો મામલે કોર્ટમાં આજે સુનાવણી હતી પરંતુ તેની તારીખ કાલે 19મીના શુક્રવાર પર પડી છે. કોલેજના મોવડીઓએ કહ્યું કે, તેની માન્યતા ઉપર ઊઠેલા સવાલ બાદ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો છે. 2017માં નામંજૂરી પછી કોલેજની તરફેણમાં ચુકાદો આવ્યો. કોલેજને સાંભળીને જ ફરી નિર્ણય લેવો તેવો હુકમ થયો હતો, છતાં 2017વાળો નિર્ણય એનસીટીએ ફરી 2019 જૂનમાં પ્રવેશના સમયે આપ્યો, જેથી છેલ્લી ઘડીએ ફરી પડકારાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer