-ને બલરાજ સાહનીનો વિવેક ઘરનાઓને સ્પર્શી ગયો

-ને બલરાજ સાહનીનો વિવેક ઘરનાઓને સ્પર્શી ગયો
નિમિષ વોરા દ્વારા ભુજ, તા. 18 : બોલપટ યુગથી આજે ડિજિટલ સિસ્ટમમાં પ્રવેશેલા ભારતીય ફિલ્મઉદ્યોગને 106 વર્ષ થઇ ગયાં અને પ્રથમ બોલતી મૂવી `આલમઆરા'થી અત્યાર સુધીની સદીમાં પૃથ્વીરાજ કપૂરથી તેની ચોથી પેઢી રણબીર કપૂર સક્રિય છે, ત્યારે આ ચાર પેઢી (ફોર-જી)ની શાનદાર સફરના સાક્ષી બનીને તેને વાચકો સુધી પહોંચતી કરવામાં `કચ્છમિત્ર'ની લોકપ્રિય અને સૌથી જૂની અવિરત કોલમ `રજતપટના રંગ'ના લેખક પ્રવીણભાઇ ઠક્કર તો હજુયે સક્રિય છે. આ ઘટના કોઇપણ સામયિક માટે વિરલ અને ગૌરવજનક કહી શકાય. છેલ્લાં 56 વર્ષથી પોતાની કલમથી ફિલ્મ સંસારની અવનવી માહિતી પીરસતા કટાર લેખક પ્રવીણભાઇ ભલે વયની દૃષ્ટિએ બુઝુર્ગ થયા છે, પરંતુ તેમની કોલમ આજે પણ સદાબહાર રહી છે. `હન્ટરવાલી' જેવી સ્ટંટ ફિલ્મોમાં ફિયરલેસ નાદિયા અને જોન કાવસની વાડિયા મૂવી ટોનની ફિલ્મોથી માંડીને આજની `સત્યમેવ જયતે' એટલે કે જોન અબ્રાહમ સુધીના કલાકારો વિશે સંપૂર્ણ પ્રોફાઇલ જાણતા પ્રવીણભાઇનું પુસ્તક `શ્યામ શ્વેત સિનેયુગની તારિકાઓ' પ્રસિદ્ધ થઇ રહ્યું છે ત્યારે તેમની સાથે કરેલી ગોષ્ઠી એકદમ રસપ્રદ બની રહી હતી. ફિલ્મો પર લખવાની શરૂઆત કઇ રીતે થઇ તેવો સવાલ કરતાં જ પ્રવીણભાઇના શબ્દોમાં `યાદેં કી બારાત' નીકળી હતી. તેમણે કહ્યું કે, કચ્છ કલા કેન્દ્ર દ્વારા થતાં નાટકનું અવલોકન લખવાનું થયું. તે વખતે `કચ્છમિત્ર'ના તંત્રી સ્વ. ઝુમખલાલભાઇ મહેતા હતા. તેમણે અખબારમાં સ્થાન આપ્યું. આ વાત કોલમ સુધી પહોંચીને શરૂઆતમાં દર 15 દિવસે ટચૂકડા `કચ્છમિત્ર'માં ફિલ્મના અવલોકન લખવાનો આરંભ થયો. સૌ પ્રથમ `સંગીત સમ્રાટ તાનસેન' પર લખવાનું થયું. આ સમગ્ર ફિલ્મ શાત્રીય સંગીત આધારિત હતી, એટલે કોલમમાં જાન રેડવા માટે જાણીતા સંગીતજ્ઞ જે. કે. મેઘનાનીને મળીને સમજીને લખ્યું અને વાચકોનો આવકાર મળ્યો. આ વાત તે યુગની છે કે, જ્યારે ભુજમાં માંડ બે-ત્રણ થિયેટર હતા. આજ જેમ વિકિપીડિયા કે કોઇ સંદર્ભ ન હતા. હા, કેટલાક ફિલ્મના મેગેઝિન આવતા હતા. આમ સંપૂર્ણ સ્વાવલંબી કોલમ હતી. કટાર લેખનની સાથે-સાથે ભુજમાં કોઇ કલાકાર અતિથિ તરીકે કે શૂટિંગ કરવા આવે ત્યારે તેના ઇન્ટરવ્યૂ લેવા કે મળવા જવાનું થતું. પ્રવીણભાઇ કહે છે કે, ઇન્ટરવ્યૂ દરમ્યાન કલકાર વિશે કોઇ માહિતી પૂછતા નહીં પરંતુ જાતે જ હોમવર્ક કરીને જતા. અરે, એટલે સુધી કે તે કલાકારને પોતાના વિશે ઊંડાણમાં ખબર પણ ન હોય તે શ્રી ઠક્કર જણાવતા. અક્ષયકુમાર બન્નીમાં વિજ્ઞાપનનું શૂટિંગ કરવા આવ્યા ત્યારે તેમણે પાંચ મિનિટ મળવાનો સમય આપ્યો, પરંતુ વાતચીતનો દોર શરૂ અને એક કલાક વાતચીત ચાલી તેમાં પોતે જ્યારે `અક્કી'ને કહ્યું કે, તમામ અભિનેત્રી સાથે કામ કર્યું છે, પરંતુ હજુ સુધી ઐશ્વર્યા રાય અને રાની મુખરજી સાથે કેમ ફિલ્મ નથી કરી ? તેવું પૂછતાં અક્ષયકુમાર ચકિત થઇ ગયા હતા અને સેક્રેટરીને કહ્યું કે, `અબ દોનો કે સાથ ફિલ્મ સાઇન કરની પડેગી, યે તો રેકોર્ડ બિગડ રહા હૈ.' તો `લગાન' વખતે આમિર ખાનને કહ્યું કે, આમિર, શાહરુખ, સલમાન, સૈફ જેટલા ખાન ઇન્ડસ્ટ્રીઝમાં છે તે જ્યારે મનીષા કોઇરાલા સાથે આવ્યા છે ત્યારે ફિલ્મ ચાલી નથી. આવું બેધડક વિધાન સાંભળીને આમિરે કાન પકડયા હતા. મન, અકેલે હમ અકેલે તુમ તેના દાખલા છે. `મેલા' ફિલ્મ પીટાઇ જવા પાછળ `સ્ટાર કાસ્ટ'ની ખોટી પસંદગીનું સીધું કારણ પ્રવીણભાઇએ આપ્યું તો તેમાં આમિરે ખૂબ રસ લીધો હતો. પોતાની યાદગાર મુલાકાતમાં દિગ્ગજ અદાકાર બલરાજ સાહનીનો પ્રસંગ વર્ણવતાં પ્રવીણભાઇ કહે છે કે, બલરાજજી પોતાનાં ઘેર આવ્યા ત્યારે માતાને જોઇને સીધા પગે પડયા. તેમનો વિનય-વિવેક અને એટિટયૂડ પ્રભાવિત કરી ગયો હતો. આ ઉપરાંત ઓમપ્રકાશ, પ્રેમનાથ, રઝા મુરાદ, મુરાદ, સુરેન્દ્ર પાલ, રાગિણી, દીપક, નૌશાદજી ઘીવાલા સાથેના સંભારણા અકબંધ છે. છેલ્લા 56 વર્ષથી કટાર લખતા પ્રવીણભાઇ સંપૂર્ણ ફિલ્મો સાથે જોડાયેલો જીવ કહી શકાય. ભૂતકાળમાં તેમણે નખત્રાણામાં ટોકીઝ પણ લીધી હતી. તો ભુજમાં પણ?અનેક ટોકીઝનું સંચાલન સંભાળ્યું હતું. જેટલી આ કટારલેખકની કારકિર્દી સુદીર્ઘ છે તેટલી જ તેમની અંગત રેફરન્સ લાયબ્રેરી સમૃદ્ધ છે. છેલ્લા પાંચ દાયકાના જાણીતા ફિલ્મ મેગેઝિન માયાપુરી, માધુરી, ચિત્રલોક, ફિલ્મ ફેયર, ક્રીન સાચવેલા હોય એ તો ઠીક પરંતુ જ્યારે કોઇ અભિનેતા કે કલાકાર વિશે લખવાનો અવસર આવે ત્યારે તેઓ પોતાની આગવી પદ્ધતિથી બનાવેલા ફોલ્ડરમાં હાથ નાખે એટલે સંબંધિત કલાકારની તમામ પ્રોફાઇલ કે ફોટા અચૂક મળી જાય. મજાની વાત તો એ છે કે એક જમાનાના જાણીતા ગુજરાતી મેગેઝિન `જી'ની પોતાની લાયબ્રેરીમાં પ્રથમ અંક મળ્યો નહીં એટલે તેમણે ભુજમાં પ્રવીણભાઇનો સંપર્ક કર્યો અને અંક માગ્યો પરંતુ આ કિંમતી અંક કોઇ આપી શકે નહીં તે સમજી શકાય. ભૂતકાળમાં જ્યારે `નેટ'નું કોઇએ નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે જ્યારે કોઇ કલાકારનું નિધન થાય એટલે `કચ્છમિત્ર'માંથી પ્રવીણભાઇને ફોન જાય કે `સો એન્ડ સો' અભિનેતા ગુજરી ગયા છે, એટલે પ્રવીણભાઇ પોતાની પાસેથી તેને તમામ માહિતી એકત્ર કરીને મોડીરાત સુધી કચેરીમાં પહોંચાડે અને સવારે વાચકોને કલાકારની તમામ માહિતી વાંચવા મળી જતી. એટલું જ નહીં કોઇને કોઇ ફિલ્મ વિશેની વિગત જોઇએ તો તે તમામ પ્રકારની મદદ કરતા રહે છે. જો કે 1959માં જ્યારે વરસાદી પૂર આવ્યું ત્યારે વોકળા ફળિયામાં પાણીમાં તેમનું ઘણું મટીરિયલ્સ તણાઇ જવાનો અફસોસ આજ લગી તેમને રહી ગયો છે. પોતે ફિલ્મોના શોખીન હોવાથી આજે પણ તેમણે ઘેર હોમ થિયેટર બનાવ્યું છે. અગાઉ અને અત્યારની ફિલ્મોમાં શું બદલાવ જોયો છે? તેવું પૂછતાં પ્રવીણભાઇ બોલી ઊઠયા કે, ભૂતકાળમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેની પબ્લિસિટી અગાઉથી જોરશોરથી થતી. મોટા મોટા પોસ્ટર લાગતા હતા પરંતુ આજે બધું ટી.વી. પર પ્રમોશન થયું હોવાથી શુક્રવાર સુધી સાચી માહિતી નથી હોતી કે કઇ પિક્ચર રિલીઝ થશે અને તેમાં કોણ કલાકાર છે તેનો કોઇ રેફરન્સ પણ હોતો નથી. કાલે વિમોચન દરમ્યાન `રજતપટના રંગ'માં સિને તારિકાઓના લખેલા લેખના ચૂંટેલા લેખોના સંગ્રહ `શ્યામ શ્વેત સિનેયુગની તારિકાઓ'નું વિમોચન શનિવારે સાંજે 6 વાગ્યે ભુજમાં વી.ડી. હાઇસ્કૂલ પાસેની નવી લોહાણા મહાજનવાડી ખાતે વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer