ભુજોડી ફાટક માટે એક નવી ઉપાધિ

ભુજોડી ફાટક માટે એક નવી ઉપાધિ
ભુજ, તા. 18 : કચ્છના મુખ્ય મથક ભુજ આવતા અને જતા તમામ વાહનો માટે માથાનો દુ:ખાવો બનેલા ભુજોડી રેલવે ફાટકના અટકેલા ઓવરબ્રિજની ઐતિહાસિક ગાથા વચ્ચે એક નવી જ ઉપાધિના મંડાણ થયા છે જેનો ખ્યાલ હજુ સુધી કોઇ સરકારી તંત્રને આવ્યો ન હતો પણ આસપાસના ખેડૂતોએ ધ્યાન દોરતાં આજથી એ દિશામાં કામ શરૂ તો થયું છે પણ મુશ્કેલી ટળે તેવી સ્થિતિ વર્તાતી નથી. ભુજોડી ફાટક આસપાસ ખેતી કરતા કિસાનોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી અંદેશો વ્યક્ત કર્યો છે કે ભુજોડી રેલવે ફાટકના પૂર્વ વિભાગમાં એક વરસાદી પાણીનો પુલિયો છે જ્યાંથી ચોમાસામાં વધુ વરસાદે જોશભેર પાણી વહીને નીકળે છે. રસ્તાને પહોળો કરવાની નવેસરથી જે કામગીરી હાથ ધરાઇ તેમાં આ પુલિયાના વહેણની એકબાજુ આખેઆખી કાટમાળ નાખીને દાટી દેવામાં આવી છે. આ પુલનું નિર્માણ થયું એ અગાઉ પણ રેલવેના કામમાં પરંપરાગત એવા પાણીના આઠ વહેણ બંધ કરી દેવાયા છે અને હવે કોઇ પણ ગંભીરતાને ધ્યાનમાં લીધા વગર પુલિયાની એક બાજુ પણ ભરી દેવાતાં હવે વરસાદ થશે ત્યારે પાણી નીકળશે ક્યાંથી એ એક મોટી સમસ્યા ઊભી થશે. આ પુલ તળેથી વરસાદી પાણીનો સમયસર નિકાલ નહીં થાય તો રસ્તાની સાથોસાથ રેલવેને પણ ભારે નુકસાન જવાની દહેશત વિસ્તૃતપણે લખાયેલા પત્રમાં ભારતીય કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ એવા કિસાન અગ્રણી વેલજીભાઇ ભુડિયાએ વર્ણવી છે અને આસપાસના અન્ય ધરતીપુત્રો પણ તેમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આઠ-આઠ વર્ષથી જેનું કામ અટકેલું છે એ ભુજોડી રેલવે ફાટક પરના ઓવરબ્રિજ માટે પણ આ વરસાદી પાણીનો ભરાવો મુશ્કેલી સર્જશે. આમેય રાહદારીઓને હાલાકી છે ત્યારે હવે ચોમાસામાં નવી પીડા દ્વાર ખટખટાવશે તેવી દહેશત છે. કિસાનોના પત્રવ્યવહારને પગલે જિલ્લા કલેક્ટરે સંબંધિતોનું સંભવિત પુછાણું લેતાં બે દિવસથી કામ બંધ કરીને રવાના થઇ ગયેલા ઠેકેદાર આજે પરત ફર્યા હતા અને સફાઇકાર્ય હાથ ધર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer