ભુજમાં લાયન્સ દ્વારા 75 વ્હીલચેર અર્પણ

ભુજ, તા. 18 : અહીંની લાયન્સ ક્લબ દ્વારા એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે મુખ્ય સહયોગી દાતા સ્વ. કાનબાઇ લક્ષ્મણ ગોવિંદ કેરાઇ પરિવાર તથા અન્ય દાતાઓના સહકારથી મેગા વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 101 વ્હીલચેર ભુજ તાલુકાના વિકલાંગ-ગરીબ તથા વૃદ્ધોને અને જરૂરતમંદ લોકોને આપવાની હતી. વ્હીલચેરની જરૂરિયાત માટે અરજીઓ મંગાતા 75 જરૂરિયાતમંદ લોકોએ વ્હીલચેરની જરૂરિયાત વ્યક્ત કરતાં અર્પણવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ક્લબના પ્રમુખ પ્રફુલ્લ શાહના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટય સાથે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યદાતા કુંવરજીભાઇ લક્ષ્મણ ગોવિંદ કેરાઇ-માધાપર (હાલે લંડન)નું સન્માન કરાયું હતું અને સહયોગી દાતાઓ રાજન ફર્નિચર-ભુજ, એસ.એસ.વી. ગ્રુપના સંદીપ મહેતા, કુસુમબેન મહેતા, હીરાબેન શેઠ, જાદવજીભાઇ ભુડિયા, શાંતાબેન મનજી કારા (લંડન), ભાનુમતીબેન ઠક્કર, આશાબેન વોરા, સામજી જેસા દબાસિયા, અજિતસિંહ રાઠોડ, રાજેન્દ્ર ઠક્કર તથા તરુલતાબેન રસિકલાલ પરિવાર, શકુંતલાબેન હરીશભાઇ મજેઠિયાનું પણ સન્માન થયું હતું. 85 વર્ષના સિનિયર સિટીઝન વિશનજીભાઇ ઠક્કરે ઘરે ઘરે ફરીને હોસ્પિટલ માટે રૂા. 12.5 લાખ?એકઠા કર્યા હતા અને આ પ્રસંગે તેમણે આજે પણ 19,000ની માતબર રકમ એકઠી કરીને હોસ્પિટલને અર્પણ કરતાં તેમનું પણ સન્માન થયું હતું. મોટી સંખ્યામાં વ્હીલચેરના દાતાઓ મેળવનારા માધાપરના રાજુભાઇ કોટકને ખાસ સન્માનાયા હતા. 75 જરૂરિયાતમંદ વિકલાંગોને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી જેમાં વરસોથી ઘરમાં જ રહેતા અને બહાર ન નીકળી શકતા લોકો આ ટ્રાયસિકલને કારણે બહાર નીકળી શકશે અને મિત્રો સાથે હળીમળી શકશે. કચ્છમાં એકીસાથે 75 વ્હીલચેર અર્પણ કરવાનો આ કદાચ પ્રથમ કાર્યક્રમ બની રહ્યો હતો. લાયન્સ પ્રમુખ પ્રફુલ્લ શાહે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટ બાબતે વક્તવ્ય આપ્યું હતું અને આજ મહિનાના અંત સુધીમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ દ્વારા લોકોની સેવા અર્થે એક એમ્બ્યુલન્સની પણ જાહેરાત કરી હતી. દાતાઓએ એમ્બ્યુલન્સ માટે દાનનો વરસાદ વરસાવી દીધો હતો. તે સમયે લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા, અભય શાહ, મંત્રી શૈલેન્દ્ર રાવલ, ટ્રેઝરર શૈલેશ?ઠક્કર, ઝોન ચેરમેન જીતેન ઠક્કર, ડો. અભિનવ કોટક, જિજ્ઞેશ શાહ, સચિન ઠકકર, ડો. ઉદય ગણાત્રા, નવીન મહેતા સહિત 40થી વધુ લાયન્સ મેમ્બરો જોડાયા હતા. પ્રો. ચેરમેન અનુપ કોટક, અતુલ શાહે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન નરેશભાઇ રાઠી તથા લાયન્સ હોસ્પિટલના વ્યોમાબેન મહેતાએ કર્યું હતું. આભારવિધિ મંત્રી શૈલેન્દ્ર રાવલે કરી હતી.