ધર્મ અને આચરણ મનુષ્યને મોક્ષ અપાવે

ધર્મ અને આચરણ મનુષ્યને મોક્ષ અપાવે
કુકમા (તા. ભુજ), તા. 18 : કુકમા નજીક ખાત્રોડ ડુંગર પર શિવ-શક્તિ સમાન આશાપુરા માતાજી, રવેચી માતાજી, મોમાય માતાજી તથા ઓમકારેશ્વર મહાદેવના સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના દાતા વિનોદભાઇ સોલંકીના આર્થિક સહયોગ તેમજ કુકમા અને વડવા ગામના સંયુક્ત લોકફાળાથી નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભાદોગાંવ (મ.પ્ર.)ના મહામંડલેશ્વર ઓમકારદાસજી પ્રેમદાસજી, નિવૃત્તિ આશ્રમ કુકમાના મહંત વાસુદેવદાસજી યોગી રામનાથજી ઉપસ્થિત રહ્યા હતા. યજમાન પરિવારના હસ્તે ધાર્મિક વિધિ માધાપરના પરાશભાઇ ત્રિવેદી તથા સોમનાથથી ભૂદેવોની ટીમે સંપન્ન કરાવી હતી. સોલંકી પરિવારના વિનોદભાઇ, નીતાબેન મનોજભાઇ, ઇન્દિરાબેન મોહિતભાઇ, ઋતુબેન સાથે ભાવિકોએ હવન અને મૂર્તિપ્રતિષ્ઠા સ્થાપના વિધિમાં ભાગ લીધો હતો. મંદિરની વિગતો આપતાં ક.ગુ.ક્ષ. સમાજના અગ્રણી મુકુંદભાઇ પરમાર તથા વિનોદભાઇ ચૌહાણે જણાવ્યું કે, કુકમાનું આશાપુરા મિત્રમંડળ સ્થાનિકનું સંચાલન કરે છે. વરસો પહેલાં કુકમાના ગ્રામજનોએ લોકફાળા અને જાતમહેનત કરી ડુંગર ઉપર મંદિરનાં દર્શન માટે પગથિયાં બનાવ્યાં હતાં. ત્યારબાદ વાહનો માટે રસ્તાની જરૂર જણાતાં વિસ્તારના ખેડૂતભાઇ જેઠાલાલ મોરારજી ઠક્કર, ધનાભાઇ લખુભાઇ ચાવડા, ધનાભાઇ નારાણ ચાડ તથા વાડીવિસ્તારના ખેડૂત ભાઇઓએ અંદાજે 24 લાખના ખર્ચે તળેટીથી મંદિર સુધી ડુંગર કોતરીને માર્ગનું નિર્માણ કર્યું હતું. દર વર્ષે શ્રાવણ સુદ-1ના રોજ અત્રે પેડીનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરી તળેટીમાં મહાપ્રસાદનો લાભ લે છે. ઇન્જિનીયર બિપિનભાઇ ટાંકનાં માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું. કુકમા તથા વડવા ગામના અગ્રણીઓ તેમજ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની પ્રાદેશિક સમિતિ તથા રાષ્ટ્રીય મહાસભાના હોદ્દેદારોએ મુખ્ય દાતા વિનોદભાઇ સોલંકી પરિવાર અને પૂજારીનું સન્માન કર્યું હતું. મહામંડલેશ્વર ઓમકારદાસજીએ આશીર્વચન પાઠવતાં ધર્મ અને વ્યક્તિનું આચરણ મનુષ્યને મોક્ષ અપાવે છે અને શ્રદ્ધાનાં પ્રતીકરૂપ મંદિરો તેની પ્રેરણા આપે છે એમ જણાવ્યું હતું. માધાપર ખાતેના કાર્યક્રમમાં ગોવિંદભાઇ ખોખાણી, વેલજીભાઇ ભુડિયા, વિજયસિંહ રાઠોડ, રામજી કાનજી, જગદીશ મજીઠિયા, હંસાબેન ભુડિયા, મહેશ સોની, રાજદીપ સોની, શાંતાબેન ખોખાણી, નયનાબેન રાઠોડ વગેરે હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer