પાંચ મહાવીર વિહાર સુરક્ષા વાહનની જાહેરાતને વધાવાઇ

પાંચ મહાવીર વિહાર સુરક્ષા  વાહનની જાહેરાતને વધાવાઇ
કોડાય (તા. માંડવી), તા. 18 :  મુંબઇના નાહુર-મુલુંડ ખાતે કોડાયરત્ન વિદ્યાચંદ્રવિજયજી મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ થયો હતો. સવારે ભાંડુપ (વે.) ખાતે વાજતે-ગાજતે બહોળા શ્રાવકો દ્વારા સામૈયું કરાયું હતું. આચાર્ય સુબોધસુરિ મ.સા.ની પ્રતિમાને હારારોપણનો ચડાવો રૂા. 1.71 લાખથી એક ગુરુભક્તે લાભ લીધો હતો. પદ્માવતી માતાજીનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે જીવદયા માટે માતબર રકમ રૂા. 2.30 લાખ એકત્ર થઈ હતી. આ.ભ. શીતલરત્નસૂરિજી મ.સા., આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ.સા., મુનિરાજ કમલપ્રભાસાગરસૂરિજી મ.સા.એ આશીર્વચન પાઠવ્યા હતા. મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.એ ચાતુર્માસનો મહિમા વર્ણવી જીવદયા અને ધર્મનાં કાર્યો કરવા શીખ આપી હતી. આ પ્રસંગે ધર્મભક્તિ પ્રેમ સુબોધસૂરિ આરાધના ભવન જૈન ટ્રસ્ટ-કોડાય દ્વારા પાંચ મહાવીર વિહાર સુરક્ષા વાહનની જાહેરાત કરાઇ હતી. કોડાય મહાજનના પ્રમુખ અમૂલભાઇ દેઢિયાએ ગુજરાતમાં પ્રથમ વખત આ સેવાનો પ્રારંભ થતાં વિહાર કરતા સાધુ, સાધ્વીજીઓની સુરક્ષામાં સુધારો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અવસરે સુંદરજી શાહ, પારસભાઇ ગુંદેચા, હેમંતભાઇ શાહ, અનુપ શેઠિયા, ખુશાલભાઇ ગડા, હંસાબેન છેડા, ટી.વી. કલાકારો રાજેન્દ્ર ગુપ્તા, પરેશ ગણાત્રા, દેવ જોશી (બાલવીર), ઇશાન ભાનુશાલી (બાલ હનુમાન), વિશાલ જેઠવા (ફિલ્મ ટી.વી. કલાકાર), બંટીભાઇ ઉપસ્થિત રહ્યા હતા. પૂજનવિધિ કેવલ સાવલાએ કરી હતી. સમગ્ર આયોજન નેમચંદભાઇ દેઢિયા, દામજી દેઢિયા, નરેન્દ્ર મારૂ, ધીરજ વિસરિયા, સમીર ગાંધી સહિતે સંભાળ્યું હતું. સંચાલન ધીરજ છેડા (એકલવીર) અને આભારવિધિ અમૂલ દેઢિયાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer