સ્વરપેટીના લકવાની કચ્છમાં પ્રથમ વખત સફળ શત્રક્રિયા

સ્વરપેટીના લકવાની કચ્છમાં  પ્રથમ વખત સફળ શત્રક્રિયા
ભુજ, તા. 18 : જી.કે. જનરલ હોસ્પિટલમાં કાન, નાક અને ગળાના વિભાગ દ્વારા કચ્છમાં પ્રથમ વખત સ્વરપેટીનો લકવો દૂર કરવા શસ્ત્રક્રિયા મીડિઆલાઇઝેશન થાઇરોપ્લાસ્ટી કરી ભુજના યુવાનનો બેસી ગયેલો અવાજ પુન: પ્રસ્થાપિત કરી દેવાયો હતો. ભુજના 35 વર્ષીય કપિલ આહીરનો અવાજ છેલ્લા દોઢ વર્ષથી બેસી ગયો હોવાથી હોસ્પિટલનો સંપર્ક સાધતાં ઇએનટી વિભાગના હેડ અને અધિક મેડિકલ સુપરિ ડો. નરેન્દ્ર હીરાણીએ પ્રાથમિક તપાસમાં તેમજ સીટી સ્કેન અને એક્સ-રે મારફતે એ યુવાનની ડાબી બાજુએ ગળાની સ્વરપેટી કામ નહિ કરતી હોવાનું નિદાન કર્યું હતું. આ પરિસ્થિતિ ટાળવા ઈ.એન.ટી. વિભાગ દ્વારા મીડિઆલાઇઝેશન થાઇરોપ્લાસ્ટી શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કરાયું. સ્વરપેટી સમાંતર થઇ જતાં અવાજમાં સુધારો થયો હતો. આ શસ્ત્રક્રિયામાં ડો. હીરાણી સાથે આસિ. પ્રોફે. ડો. રશ્મિ સોરઠિયા અને રેસિ. ડો. ભૂમિ ભાદેસિયા જોડાયા હતા. સ્વરપેટીનો લકવા થવાના અનેક કારણો પૈકી મગજની ગાંઠ, પોલિયો, ટી.બી., મગજનાં હાડકાંનું ફ્રેકચર તેમજ સ્વરપેટી, શ્વાસનળી, અન્નનળી અને ફેફસાંના કેન્સરમાં પણ થઇ શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer