મોથાળા ગામને નવ વરસે ચાતુર્માસની મળેલી તક

મોથાળા ગામને નવ વરસે  ચાતુર્માસની મળેલી તક
મોથાળા (તા. અબડાસા), તા. 18 : અબડાસાના મોથાળા ગામે જૈન મહાજનની વિનંતીને પગલે 9 વરસ પછી જૈન મ.સા.ના ચાતુર્માસ મળતાં જૈન સમાજ તથા ગ્રામજનો દ્વારા વાજતે-ગાજતે પ્રવેશ થયો હતો. જૈન સાધ્વી જીતગુણાશ્રીજી મ.સા., સાધ્વી જીનેશગુણાશ્રીજી મ.સા. તથા સાધ્વી ચિંતનગુણાશ્રીજી મ.સા.નો ગામમાં પ્રવેશ થયો ત્યારે જૈન સમાજ અને ગ્રામજનોએ વહેલી સવારે વાજતે-ગાજતે સામૈયું કર્યું હતું. જીતગુણાશ્રીજીએ ચાતુર્માસ અંગે સમજ આપતાં જણાવ્યું હતું કે, મોથાળા ગામે નવ-નવ વરસના ગાળા બાદ ચાતુર્માસ એટલે નવ વરસની તૃષા બાદ તેને છિપાવવાની જિનવાણી રૂપી વાણીની સુંદર તક મળી છે. આ તક મળી છે ત્યારે તેમણે પાંચ મુદ્દા ઉત્સાહ, ઉદારતા, આત્મીયતા, આરાધના અને અનુમોદનાને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. જૈન મહાજનના ટ્રસ્ટીઓ નાનજીભાઇ દેઢિયા, લક્ષ્મીચંદ સાવલા, પ્રમુખ ખુશાલ નાગડા, અગ્રણીઓ જયંતીભાઇ દેઢિયા, લલિતભાઇ નાગડા, રમેશભાઇ?નાગડા, રતનશી નાગડા ઉપરાંત ગામના વડીલ લક્ષ્મીશંકરભાઇ જોષી, સરપંચ શિવજીભાઇ મહેશ્વરી વગેરે આગેવાનો સામૈયામાં જોડાયા હતા. મુંબઇ વસતા 100 જેટલા જૈન ભાઇઓ ચાતુર્માસને પગલે વતનમાં આવી પહોંચ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer