રાપર સબ રજિસ્ટ્રાર કચેરી અન્યત્ર ખસેડો

રાપર સબ રજિસ્ટ્રાર કચેરી અન્યત્ર ખસેડો
રાપર, તા. 18 : અહીંની મામલતદાર કચેરીમાં ઇ-ધરાની કચેરી આવેલી હોવાથી તેઓની લાઇન વચ્ચેથી પસાર થઇ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવું પડે છે. આથી સબ રજિસ્ટ્રાર કચેરી અન્યત્ર?ખસેડવા માંગ ઊઠી છે. ભૂકંપ બાદ રાપર શહેરથી ત્રણ કિ.મી. દૂર રાપર તાલુકા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બાંધકામ કચેરી, આઇસીડીએસ કચેરી, સબ જેલ, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સહિત અનેક કચેરીઓ ડાભુંડા રોડ પર મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ખાતે આવેલી છે, જેમાં રાપર તાલુકા સબ રજિસ્ટ્રાર કચેરી આવેલી છે, જેમાં છેલ્લા ચાલીસ વર્ષના અગત્યના દસ્તાવેજોના રેકોર્ડ આવેલા છે. હવે કરમની કઠણાઇ એ છે કે, આ કચેરી અલગ હતી, પરંતુ મામલતદાર કચેરીમાં અપૂરતા ઓરડાઓના લીધે કચેરીમાં ઇ-ધરા, મહેસૂલ રેકર્ડ, આવક-જાવકના દાખલા તાલુકાભરના કાઢવા માટે કોમ્પ્યુટર રૂમ બનાવવામાં આવ્યા છે, જેના લીધે દરરોજના વીસ જેટલા રજિસ્ટ્રેશન થતાં દસ્તાવેજો બનાવવા માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. તો છેલ્લા એક વર્ષથી સબ રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડી છે. હાલ આ જગ્યા ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે, તો રજિસ્ટ્રાર કચેરીમાં જવા માટે આવક-જાવક જાતિના દાખલા, 7/12 સહિતના આધાર ઓનલાઇન મેળવવા માટે લોકોની લાઇનની વચ્ચેથી પસાર થવું પડે છે. જો આ કચેરીની મુશ્કેલી દૂર કરવી હોય તો આ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી જગ્યા પર નવી ઇમારત બનાવવામાં આવે અન્યથા મામલતદાર કચેરીના ઇ-ધરાના કોમ્પ્યુટર રૂમોને અન્યત્ર ખસેડવામાં આવે તો મુશ્કેલી ઓછી થાય તેમ છે. આ બાબતે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. આથી જિલ્લા કલેક્ટર તપાસ હાથ ધરીને વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઊઠી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer