મુંદરા-માંડવીમાં નવાનારોજના નવા વર્ષને ઉમંગભેર વધાવાયું

મુંદરા-માંડવીમાં નવાનારોજના નવા વર્ષને ઉમંગભેર વધાવાયું
મુંદરા/માંડવી, તા. 18 : બંદરીય નગરોમાં દરિયાઇ નવું વર્ષ નવાનારોજની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. મુંદરામાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ કાંઠાવાળા નાકા પાસેથી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સરઘસ-શોભાયાત્રા કાઢી પરસ્પર નવા વર્ષની મુબારકબાદી આપી હતી. જમાતના પ્રમુખ શબ્બીરભાઇ તુર્ક, કાસમ થેબા, ફકીરમામદ થેબા, અલીમામદ ગાધ સહિતના આગેવાનોએ શા બુખારીપીરની દરગાહે જઇ ચાદર ચડાવી હતી. જ્યારે ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઇ કષ્ટા, ઉપપ્રમુખ જલારામ ચૂડાસમા ઉપરાંત ગોપાલ વેલજી બંદરીમાલમ, દેવજીભાઇ ચાવડા વગેરે સમાજના આગેવાનો સાથે પ્રથમ દરિયાલાલ મંદિરે પૂજા અર્ચના કરી શોભાયાત્રા ખારવા ચોકથી શરૂ કરવામાં આવી હતી, જે નગરના મુખ્ય માર્ગો ઉપરથી ફરી હતી. શોભાયાત્રામાં સુશોભિત ઘોડાવાળી બગીમાં દરિયાલાલની છબી ઉપરાંત ડી.જે. સાઉન્ડની ફલી ઉપરાંત પ્રખ્યાત સ્વાલી ઢોલની ફલી જોડાઇ હતી. માંડવીથી પ્રતિનિધિના હેવાલ અનુસાર ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે નવાનારોજની ઉજવણી રંગેચંગે સંપન્ન થઇ?હતી. ગઇકાલે સાંજે નગર સેવા સદનના પ્રમુખના હસ્તે ધારાસભ્યની વિકાસ ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ લાખના ખર્ચે નિર્માણ પામનારા મજદૂર કેન્દ્રનું ભૂમિપૂજન થયું હતું. રાત્રે દરિયાલાલ મંદિરે ગાફોલ રમતોત્સવ અને સ્નેહમિલનમાં વિવિધ ક્ષેત્રે ઝળકેલા 95 ખેલાડીઓને પુરસ્કૃત કરાયા હતા. આજે સવારે સમાજની સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે હવનનું આયોજન જ્ઞાતિજનોની ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયું હતું. આજે સાંજે ઢોલ, ફલીઓ સાથે દરિયાલાલ મંદિરેથી રથયાત્રાને જ્ઞાતિના પ્રમુખ હંસરાજભાઇ બદરાવાલા, પૂર્વ પ્રમુખો કિશોરભાઇ નારાણ કષ્ટા, પુરુષોતમ જેરામ જેઠવા વગેરેની દોરવણીમાં પ્રસ્થાન કરાવાયું હતું. દરિયાલાલ મંદિરેથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા રામેશ્વર મંદિરેથી મુરલીમનોહર મંદિર થઇને ખારવા મઢીએ રામદેવજી મંદિરે વિરામ પામી હતી. દરિયાલાલ મિત્રમંડળ, સાગરપુત્ર સ્પોર્ટસ ક્લબ, ખારવા જ્ઞાતિના અગ્રણીઓએ આયોજન સંભાળ્યું હતું. આ અગાઉ સાગરપુત્ર સ્પોર્ટસ ક્લબ આયોજિત અને ખારવા સમાજ પ્રમુખ હંસરાજભાઇ બંદરીમાલમના પ્રમુખપદે જ્ઞાતિ સ્નેહમિલનમાં 95 ખેલાડીઓનું સન્માન થયું હતું. બપોરે જ્ઞાતિ ભોજ અને મજદૂર કેન્દ્ર ભૂમિપૂજનમાં નગરપતિ મેહુલ શાહ સાથે પૂર્વ પ્રમુખો નરેન્દ્ર પીઠડિયા, ઉર્મિલાબેન પીઠડિયા, ઉપપ્રમુખ મીતાબેન ગોર, કારોબારી ચેરમેન દિનેશ હીરાણી, ધારાસભ્યના ઓફિસ ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, ખારવા સમાજના મોવડી જિજ્ઞેશ કષ્ટા વગેરે જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer