ધ્રાંગધ્રા પાસે અકસ્માત : ભીમાસર પાસે કાર્યરત કંપનીના બે જણનાં મૃત્યુ

ગાંધીધામ, તા. 18 : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ધોરીમાર્ગ ઉપર દાદુપુર નજીક રામદેવપુર પાસે ટ્રેઇલર અને કાર ભટકાતાં ગાંધીધામના લક્ષ્મણ ચંપાલાલ છરીપાલ (ઉ.વ. 35) તથા મનોજ મોહનલાલ અગ્રવાલ (ઉ.વ. 42)નું બનાવ સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગોજારા અકસ્માત અંગે મળતી વિગતો મુજબ અંજારના ભીમાસર નજીક આવેલી ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશન કંપનીના કર્મીઓ આજે સવારે કંપનીના કામથી ગાંધીધામથી અમદાવાદ જઇ રહ્યા હતા, દરમ્યાન તેમને અકસ્માત નડયો હતો. ધ્રાંગધ્રા-માલવવા વચ્ચેના ધોરીમાર્ગ ઉપર રામદેવપુર નજીક કાર નંબર જી.જે. 12-બી.એફ. 2433 અને સામેથી આવતા ટ્રેઇલર વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ગંભીર ઇજાઓના પગલે લક્ષ્મણ તથા મનોજ અગ્રવાલનું બનાવ સ્થળે જ મોત થયું હતું. બનાવ બાદ દોડી આવેલી પોલીસે ટ્રાફિક વ્યવહારને પૂર્વવત કરાવ્યો હતો તેમજ ગંભીર રીતે ઘવાયેલા વી.એસ.એસ. રામક્રિષ્ના (ઉ.વ. 47)ને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયો હતો. આ બનાવને પગલે ભારે શોકની લાગણી પ્રસરી હતી. બનાવ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer