શિકારી શ્વાનોએ મળીને ત્રીસેક ઘેટાં-બકરાં ફાળી ખાધાં
નખત્રાણા, તા. 19 : તાલુકાના મથલ ગામે રત્નાસર ડેમ પાસે આવેલા ભારા રામા રબારીનાં વાડામાં પૂરેલાં લવારાં (ઘેટાં-બકરાંનાં બચ્ચા)ઓ પર શિકારી કૂતરાઓએ હુમલો કરતાં ત્રીસેક જેટલાં આ લવારાંનાં મોત થયાં હતાં તેમજ આ બનાવથી આ પશુપાલક પર આભ તૂટી પડવાની સાથે અરેરાટી વ્યાપી હતી. દરરોજના નિયમ પ્રમાણે ભારાભાઇ રામા રબારી પોતાનો મોટો માલ (ઝીણો માલ) ઘેટાં-બકરાં લઇ વગમાં ચરાવવા ગયા હતા. બુધવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ વાડા પર પરત ફરતાં અને ત્રીસેક જેટલા લવારાંને મરેલાં જોતાં અવાક્ બની ગયા હતા. આ બનાવ સવારથી બપોરના સમયે બનવા પામ્યો હતો. જેમાં કૂતરાઓ વાડ મારફત વાડામાં ઘૂસ્યા હતા અને નાના લવારા જીવો પર હિંસક હુમલો કર્યો હતો. આમેય વરસાદ ખેંચાવાના કારણે પશુધનની હાલત દયનીય છે. પૈસા દેતાંય ઘાસ મળતું નથી ત્યારે વગડામાં જે કાંઇ હાથ લાગે, ગામમાં જે કાંઇ લીમડા-પીપળાના વૃક્ષોની ડાળીઓ આ માલધારીઓ પોતાના ઝીણા માલને ખવડાવી એનું પોષણ કરે છે. નાનાં લવારાં ત્રીસેક જેટલાનાં મોત થતાં વહીવટી તંત્ર દ્વારા આ માલધારીને સહાય મળે તેવી લાગણી છે.