ગાંધીધામમાં ગાંજાના કેસમાં રેલવે પોલીસ કર્મચારીની સંડોવણી ખૂલતાં ચકચાર

ગાંધીધામ, તા. 18 : શહેરની ભાગોળે સ્થાનિક પોલીસે રૂા. 24,200નાં ગાંજા પ્રકરણમાં રેલવે પોલીસકર્મીનું નામ સપાટી ઉપર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. શહેરની બી-ડિવિઝન પોલીસે ગળપાદર મચ્છુનગર વચ્ચે ઓવરબ્રિજ નીચેથી ગુલામ હુસેન લતીફશા સૈયદને રૂા. 24,200ના ગાંજા સાથે પકડી પાડયો હતો. આ ઇસમને ગાંજો આપનારા તરીકે ખારી રોહરના બાપુમિયાં કાસમશા સૈયદનું નામ બહાર આવ્યું હતું. દરમ્યાન પોલીસે આ બાપુમિંયાને પકડી પાડી રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. તેના રિમાન્ડ મંજૂર ન થતાં તેને જેલ હવાલે કરાયો હતો. પોલીસના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે, આ બાપુમિંયાની પૂછપરછ કરાતાં તેણે ગુજરાત રેલવે પોલીસના એક કર્મચારી પાસેથી આ જથ્થો મેળવ્યો હોવાની કેફિયત આપી હતી. આ અંગે રેલવે પોલીસને એક યાદી પાઠવવામાં આવી હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ગાંજા પ્રકરણમાં એક પોલીસકર્મીનું નામ સપાટી ઉપર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer