અનાથ, નિરાધાર બાળકો માટે સરકારી અનેક યોજના ચાલે છે

અંજાર, તા. 18 : ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર તાલુકા બાળ સુરક્ષા સમિતિ દ્વારા સમુદાયમાં બાળ સુરક્ષા વિશે સમુદાયમાં જાગૃતતા લાવવા અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે સમીક્ષા અંગે બેઠક બોલાવવામાં આવી હતી. ગાંધીધામ બાળ સુરક્ષા કચેરીના અધિકારી પ્રવીણભાઇ જાડેજા તથા રવિભાઇ પ્રજાપતિ દ્વારા 18 વર્ષની નાની વયના બાળકોના અધિકારોનું હનન, શારીરિક તથા માનસિક અત્યાચાર કે શોષણ, અનાથ, નિરાધાર, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજના ચાલે છે. ચલ્ડ્રન હોમમાં વિનામૂલ્યે સંસ્થામાં રહી મફત શિક્ષણ, વિકલાંગ વિદ્યાર્થીઓને સમાજ સુરક્ષા તરફથી વાર્ષિક ધોરણે શિષ્યવૃત્તિ સહાય જે બાળક અથવા માતા-પિતા અથવા બંને જો એચ.આઇ.વી.ગ્રસ્ત હોય તો તેવા બાળકોને સમાજ સુરક્ષા તરફથી વાર્ષિક ધોરણે શિષ્યવૃત્તિ સહાય રૂા. 3000 અપાય છે. વધુમાં કહ્યું કે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ અને તાલુકા બાળ સુરક્ષા સમિતિ દ્વારા બાળ અધિકાર સંરક્ષણ તેમજ કાઇપણ પ્રકારના બાળ અધિકાર ઉલ્લંઘનના કિસ્સામાં કાયદાકીય જોગવાઇઓને ધ્યાને લઇ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે જેથી શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં બાળમજૂરી કરતા બાળકોને રક્ષણ માટે તાલુકાકક્ષાએ બાળસુરક્ષા સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને વધુ જરૂર પડે તો અમને જાણ કરવી જોઇએ. તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઇ, તાલકા પ્રા. શિક્ષણ અધિકારી વસરાભાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અંજારિયા, સીડીપીઓ રસીલાબેન કાનાણી, એનાર્ડ ફાઉન્ડેશનના પ્રભાત મ્યાત્રા વગેરે હાજર રહ્યા હતા.