ગાંધીધામ સંકુલમાં તબીબદિન ઊજવાયો

આદિપુર, તા. 10 : અહીંની વિવિધ સંસ્થાઓ દ્વારા `તબીબદિન'ની ઉજવણી કરાઈ હતી, જેમાં અહીંની રોટરી ક્લબના પ્રમુખ શરીફ ખત્રી, મંત્રી તરુણ સોલંકી, પૂર્વ પ્રમુખો જખાભાઈ આહીર, સીમા ક્રિપલાણી તથા અન્યો દ્વારા સંસ્થાના સભ્ય એવા 12 જેટલા તબીબનું સન્માન કરાયું હતું. જેમાં વરિષ્ઠ તબીબ ડો. જી.જે. ખાનચંદાણી, ડો. અંજૂ રાની, ડો. જ્યોત્સના પ્રજાપતિ, ડો. શિલ્પા તોશ્નીવાલ તથા અન્યોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સહેલી- અંજાર દ્વારા ગાંધીધામની આલીઆના શાળા ખાતે છાત્રો માટેના નિ:શુલ્ક નિદાન શિબિરનો 70 બાળકે લાભ લીધો હતો. જેમાં ડો. આનંદ અને ડો. વિશાલ ઠક્કર, સંસ્થાના પ્રમુખ ડો. સુનિતા દેવનાનીએ સેવા આપી હતી. શાળાના આચાર્યા ખુશ્બૂ આસનાનીનું સંસ્થાપ્રેરક પંકજબાલા ચોટારા, ડો. સુનિતા, હર્ષિતા અડવાણી વિ. એ તબીબોનું પણ સન્માન કર્યું હતું. નેહા ખત્રીએ સહયોગ આપ્યો હતો. દરમ્યાન ઈન્નરવ્હીલ ગાંધીધામ દ્વારા અધ્યક્ષા નીતા નિહાલાણીના માર્ગદર્શન હેઠળ સુંદરપુરીની પાઠશાળા ખાતે `મેડિકલ ઈમરજન્સી વખતે શું કરવું ?' અંગે ડો. જિજ્ઞેશ મહેતા અને ડો. ભરત થારવાણીએ સમજણ પાડી હતી. પ્રાકૃતિક કે અચાનક આવતી આફતો વખતે કેવી રીતે વર્તવું અને લોકોને કેમ બચાવવા અંગેની પ્રત્યક્ષ તાલીમ અને સમજ ફાયર બ્રિગેડ ટીમના નારાયણભાઈ ગઢવીએ આપી હતી. પ્રોજેક્ટ અધ્યક્ષા નીલમ તીર્થાણી તથા અન્યોએ તબીબોનું સન્માન પણ કર્યું હતું. નીતાબહેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.