બાલાસરમાં બસ - ખાનગી કાર ઉપર પથ્થરમારો

બાલાસરમાં બસ - ખાનગી કાર ઉપર પથ્થરમારો
ગાંધીધામ, તા. 18 : રાપર તાલુકાના બાલાસર ગામમાં એક શખ્સે પથ્થરમારો કરતાં એસ.ટી. બસ અને એક બોલેરોના કાચ તૂટી ગયા હતા. એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. બાલાસર બસ સ્ટેન્ડ પાસે આજે સવારે 10.45ના અરસામાં આ બનાવ બન્યો હતો. વ્રજવાણી-રાપર રૂટની એસ.ટી. બસ નંબર જી.જે. 18 વાય-9039 વાળી અહીં આવીને ઉભી હતી, ત્યારે ગામના વિપુલસિંહ ગુલાબસિંહ વાઘેલા નામના શખ્સે છૂટા પથ્થરના ઘા કર્યા હતા. જેમાં એસ.ટી.નો આગળનો કાચ તૂટી ગયો હતો. આ શખ્સને આટલાથી સંતોષ ન થયો હોય તેમ તેણે બાજુમાં ઉભેલી અન્ય એક બોલેરો કાર ઉપર પણ પથ્થર ફેંકી તેના આગળના કાચ તોડી પાડયા હતા. આ બનાવ અંગે રાપર ડેપોના તથા બસના ચાલક એવા દીપકદાન શંભુદાન ગઢવીએ બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી એવા વિપુલસિંહની અટક કરી તેને કોર્ટમાં રજૂ કરતાં તેને જેલ હવાલે કરાયો હતો. આ શખ્સે કેવા કારણોસર વાહનોના કાચ તોડયા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer