ગાંધીધામ રેલવે સ્ટેશનેથી નકલી ઇ-ટિકિટ પધરાવતો શખ્સ જબ્બે

ગાંધીધામ, તા. 18 : શહેરના રેલવે મથકથી રેલવે સુરક્ષા દળના જવાને એક શખ્સને પકડી પાડી તેની પાસેથી 7 બનાવટી ઇ-ટિકિટ જપ્ત કરી હતી. શહેરના રેલવે મથકે નરેશચંદ્ર દીપકચંદ્ર ભટ્ટ નામનો યુવાન અહીંથી પૂના જવાની ટિકિટ કઢાવવા આવ્યો હતો ત્યારે તેનો ભેટો ઉપેન્દ્રકુમાર ગોવિંદપ્રસાદ ત્રિવેદી સાથે થયો હતો. આ શખ્સે પૂનાની કન્ફર્મ ટિકિટ બનાવી આપવાનું કહ્યું હતું. જે અંગે નરેશે ટી.સી.ને વાત કરતાં ત્યાં આર.પી.એફ.ના અનિલકુમાર સુથાર આવી ગયા હતા. તેમને પણ આ વાતની જાણ થતાં તેમણે દોડીને ઉપેન્દ્ર નામના શખ્સને પકડી પાડયો હતો. પકડાયેલા આ શખ્સને પોલીસ મથકે લઇ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા શખ્સે કહ્યું હતું કે, સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીધામ જેવા રેલવે મથકે પોતે જાય છે અને ત્યાં પૂછપરછ બારીની આસપાસ ઊભો રહે છે. કોઇ મુસાફરને રિઝર્વેશન ટિકિટની જરૂરિયાત જણાય તો તેવા ગ્રાહકો પોતે શોધી કાઢે છે. બાદમાં આસપાસના સાયબર કાફેમાં જઇ પોતાની ગૂગલ ડોમ્સ તથા ઇ-મેઇલ આઇ.ડી.થી ઇ-ટિકિટના ફોર્મેટમાં નકલી ટિકિટ બનાવી તેની પ્રિન્ટ કાઢી મુસાફરોને બનાવટી ટિકિટ પધરાવી દેતો હતો. આવી ટિકિટમાં લખેલી રકમ ઉપરાંત કમિશનના પૈસા તે ગ્રાહકો પાસેથી લઇ લેતો હતો. આ શખ્સનું ઇ-મેઇલ આઇ.ડી. ખોલી પોલીસે તપાસ કરતાં તેમાંથી 7 અલગ અલગ તારીખની અલગ અલગ મુસાફરોની નકલી ટિકિટ મળી આવી હતી. મુસાફરો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરનારા આ શખ્સની ધરપકડ કરી તેને તપાસ અર્થે વલસાડ લઇ જવાયો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer