નર્મદાનાં સિંચાઈનાં પાણી લખપત, અબડાસા અને નખત્રાણામાં પહોંચાડો

ભુજ, તા. 18 : કચ્છમાં નર્મદાના સિંચાઈનાં પાણી લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં પહોંચાડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જિલ્લા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન નરેશભાઈ મહેશ્વરીએ રજૂઆત કરી હતી. કચ્છમાં સૌથી વધુ પાણીની તંગી અનુભવતા લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં નર્મદા નહેરનું કોઈ આયોજન નથી. છેલ્લા ઘણા સમયથી આ તાલુકાઓમાં કોઈ મોટી સિંચાઈ યોજના કે ડેમ બન્યા નથી અને પાણીની ખૂબ જ અછત વર્તાતી હોય છે. જેથી આ તાલુકાઓમાં નર્મદાનું પાણી સબ કેનાલ કે અન્ય માધ્યમ દ્વારા મળે તેવી ખાસ જરૂરિયાત છે. કચ્છ જિલ્લો ભૌગોલિક દૃષ્ટિએ રકાબી આકારનો ભૂ-ભાગ ધરાવે છે. જેથી સમગ્ર જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચી ન શકે તેવી પરિસ્થિતિ છે. નર્મદા નહેર માંડવી તાલુકાનાં મોડકુબા ગામ સુધી આવે છે. ત્યાંથી લિફ્ટિંગ કરીને આ તાલુકામાં જો પાણી પહોંચાડવામાં આવે તો જ આ તાલુકાઓને પાણી મળી શકે તેવી પરિસ્થિતિ છે. નખત્રાણા તાલુકાના નનામો ડુંગરની બાજુમાં વિશાળ જળસંગ્રહની ક્ષમતા ધરાવતો મોટો ડેમ બની શકે તેવી કુદરતી ભૌગોલિક સાનુકૂળ પરિસ્થિતિ છે. જે વિસ્તાર અન્ય વિસ્તારો કરતાં ખૂબ ઊંચાણવાળો ભાગ છે. તળેટીમાં જો ડેમ બનાવવામાં આવે તો આ ત્રણેય તાલુકામાં ગ્રેવિટીથી પાણી મળી શકશે અને ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારને મોટી ભેટ પણ આપી શકાય. તો આ અંગે સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય સર્વેક્ષણ કરીને આ સાઈટની શક્યતા ચકાસવા શ્રી મહેશ્વરીએ અનુરોધ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer