સમસ્યાઓ હલ નહીં થાય તો સુધરાઇના અસરગ્રસ્તો સાથે મહાલડત

ભુજ, તા. 18 : કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારમાં સુવિધાઓ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી હોવા સાથે ભ્રષ્ટાચારને પગલે નગરપાલિકાઓ સુપરપીડ થવાનાં આરે હોવાનો આક્ષેપ વિપક્ષી નેતાએ કરી લોકહિતમાં કાર્યવાહી કરવા મુખ્ય સચિવ સહિતને રજૂઆત કરી હતી. સરહદી વિસ્તારમાં અછત જેવા ગંભીર મુદ્દે સરકાર નિષ્ફળ નીવડી છે. સાથોસાથ શહેરી વિસ્તારની સમસ્યાઓ વધી રહી હોવાનું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવી ભુજ નગરપાલિકા દ્વારા જીવનજરૂરી પીવાનાં પાણીના મુદ્દે રાજકારણ રમાતું હોવાનું કહી પાણીની કૃત્રિમ અછત ઊભી કરી ભ્રષ્ટાચાર આચરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મોટાભાગની નગરપાલિકાઓમાં સામાન્ય સભા નિયમ મુજબ મળતી નથી અને મળે છે તો ફક્ત પાંચ મિનિટમાં આટોપાઇ જાય છે, જેમાં શહેરીજનોની સુખાકારી માટે કોઇ ચર્ચા-વિચારણા કે સંવાદ કરાતો નથી. કારોબારી સમિતિમાં અંદરોઅંદર ઘર્ષણ થાય છે, જે મામલો જિલ્લા ભાજપ સુધી પહોંચવા છતાં કોઇ?જ ઉકેલ નથી આવતો. ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતો જેના અંકુશ હેઠળ આવે છે તેવા નાયબ કલેક્ટર-જિલ્લા વિકાસ અધિકારી વિ.ના આદેશોનું પાલન થતું નથી. સરકારની યોજનાઓની અમલવારી તથા ગ્રાંટોની ફાળવણી પણ રાજકીય ધોરણે ભેદભાવ રખાય છે જે અયોગ્ય હોવાનું ઉમેર્યું હતું. સ્વચ્છતા મિશન, સ્લમ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ વિગેરે યોજનાઓની અસર ક્યાંય જોવા મળી નથી. મોટાભાગની નગરપાલિકાઓમાં ટ્રાફિકની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઓ છે ત્યાં પાર્કિંગ પ્લોટોનો લાભ મળવાને બદલે ટ્રાફિક પોલીસ, નગરપાલિકાઓ, ઓથોરિટીની અણઆવડતના કારણે ટ્રાફિક સમસ્યા હલ થતી નથી. વીજપુરવઠામાં વ્હાલા-દવલાંની નીતિ અપનાવાઇ રહી છે. જો લોકોની સમસ્યાઓનો હલ નહીં આવે તો કચ્છની તમામ પાલિકાઓના અસરગ્રસ્તોની જનભાગીદારીથી મહાલડતનો આરંભ કરાશે તેવી ચીમકી શ્રી જાડેજાએ આપી હોવાનું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer