સોમવારે બાબુભાઈ રાણપુરાની પાંચમી નિર્વાણતિથિએ એવોર્ડ વિતરણ

ભુજ, તા. 18 : સદ્ગુરુ પૂ. દયાળુ (બાબુભાઈ રાણપુરા)ની પાંચમી નિર્વાણતિથિએ એમની સુરેન્દ્રનગર ખાતેની ફૂલસમાધિ સન્મુખે પાદુકાપૂજન, હરિરસ પઠન, સહજ સત્સંગ, સંતવાણી તથા બાબુભાઈ રાણપુરા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ તા. 22/7 સોમવારે યોજાશે. ગતમંડળના કોટવાળ કશ્યપ સોનીની યાદીમાં જણાવ્યા મુજબ સવારે 7.30 વાગ્યે સુરેન્દ્રનગરના બાબુભાઈ રાણપુરા ચોક ખાતે પૂ. દયાળુની પ્રતિમાનું પૂજન તથા ત્યારબાદ ફૂલસમાધિ ખાતે પાદુકાપૂજન, હરિરસ પઠન, સહજ સત્સંગ અને 11.00 વાગ્યે સંતવાણી ક્ષેત્રે અનેરું પ્રદાન કરનારા કલાકાર હેમંતભાઈ ચૌહાણને ગુપત-પરગટ સમસ્ત ગતમંડળ અને શ્રી ગાયત્રી મંદિર સાપ્તાહિક દ્વારા ગુરુમા પૂ. ઈન્દુબાના હસ્તે છઠ્ઠો બાબુભાઈ રાણપુરા એવોર્ડ એનાયત કરવામાં આવશે. બપોરે પ્રસાદ બાદ સાંજે 4થી 6 વાગ્યે ગતનો મેળાવડો અને રાત્રે 9થી 12 વાગ્યા દરમ્યાન હેમંતભાઈ ચૌહાણના સુરીલા કંઠે, રામસાગરના રણકારે ભજનો પૂ. દયાળુ ફૂલસમાધિ મંદિર, રામદેવપીર મંદિર પરિસર, હરિપ્રકાશ નગર, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. આ પ્રસંગે સંતો-મહંતો, વિવિધ ક્ષેત્રના શહેરના અગ્રણીઓ, કલારસિકો તથા ભાવિક શહેરીજનો ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ સહિતના ગુજરાત તથા બહારના ભાવિકો ઉપસ્થિત રહેશે. આ અગાઉ ગતમંડળ દ્વારા બાબુભાઈ રાણપુરા એવોર્ડ લાભભા ભાંસડિયા, ડો. નિરંજન રાજ્યગુરુ, શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુદાનભાઈ ગઢવી અને લક્ષ્મણભાઈ બારોટને એનાયત થયેલો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer