ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 18 : શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેનાર વાસુદેવ ભોજરાજ ધુઆ (ઉ.વ.18)નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ નખત્રાણાના હરોડામાં પવનચક્કીનું કામ કરનારો મૂળ રાજસ્થાનનો અંકિત તારાચંદ નાયક (ઉ.વ.19) ઉપરથી નીચે પટકાતાં તેનું મોત થયું હતું. શહેરના ગણેશનગર, સેક્ટર-6, મકાન નંબર 393માં રહેતા વાસુદેવ નામના યુવાને રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાને અગાઉ ફિનાઈલ પી લીધું હતું અને તેના પછી એક વખત પોતાના હાથે પત્રી (બ્લેડ) વડે ચેકા પણ માર્યા હતા. આ યુવાન જિદ્દી સ્વભાવનો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ગઈકાલે તેના પિતા કામ ઉપર ગયા અને માતા આદિપુર હતા તે દરમ્યાન રાત્રે 8થી 8:15ના અરસામાં તેણે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બીજી બાજુ નખત્રાણાના હરોડામાં વધુ એક અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગામની સીમમાં આઈનોક્સ વિન્ડ કંપનીની પવનચક્કીનું કામ ચાલુ હતું. અંકિત તથા અન્ય એક શ્રમજીવી પવનચક્કીના પાંખડામાં બાંધેલો રસ્સો પકડીને નીચે ઊભા હતા તે સમયે પવનને કારણે પાંખડું ઊડયું હતું અને અંકિત રસ્સા સાથે ઉપર પહોંચી ગયો હતો ત્યાંથી તે નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer