હાઇકોર્ટના હુકમના પગલે સાંઘી કું.એ 40 લાખનું લેણું ચૂકવ્યું

ભુજ, તા. 18 : અબડાસા તાલુકાના મોટી બેર ગ્રા.પં. દ્વારા સાંઘી ઇન્ડસ્ટ્રીઝ?લિ.ના બાકી લેણાં પેટેની રકમ અંગે તાલુકા પંચાયતે આપેલી નોટિસના પગલે અંતે 40 લાખની રકમ જિલ્લા પંચાયતે વસૂલી હતી. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિ.નું જમીન મહેસૂલ, લોકલ શેષ તથા શિક્ષણ ઉપકરનું વર્ષ 1994-95થી વર્ષ 2017-18 સુધી કુલ માગણું 57 લાખ જેટલું બાકી હતું. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ રકમ ભરપાઇ ન કરાતાં અબડાસા તાલુકા વિકાસ અધિકારીએ લેણી રકમની વસૂલાત કરતાં જમીન મહેસૂલની કલમ 152 મુજબ નોટિસ આપવામાં આવી. છતાં કંપનીએ આ નાણાંની રકમ ભરપાઇ ન કરતાં કલમ 148 હેઠળ બેંક એકાઉન્ટ સીઝ કરવાનો આદેશ કર્યો હતો. સામે કંપનીએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ કરતાં તાલુકા વિકાસ અધિકારીનો હુકમ સ્થગિત કરી 30 દિવસની મુદતમાં ગ્રામ પંચાયત સાથે મેળવણું કરવા અપીલ દાખલ કરી હતી. તે પૈકી 20 લાખ લેણી રકમ ભરપાઇ થઇ. અપીલની સુનાવણી દરમ્યાન કંપનીએ બાકીની રકમ ભરપાઇ કરવાની નથી તેમ જણાવી આ અપીલ દરમ્યાન ડીડીઓએ કંપનીના બેંક એકાઉન્ટ સીઝ કરવાનો હુકમ યથાવત રાખ્યો. ત્યારબાદ કંપનીએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરતાં હાઇકોર્ટએ સરકારી લેણાંની બાકી રકમ રૂપિયા 40 લાખ જિલ્લા વિકાસ અધિકારી કચ્છના એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ જ આગળની સુનાવણી કરવામાં આવશે, એમ ઠરાવ્યું હતું. કંપનીએ લેણી નીકળતી દંડનીય રકમ સાથે રૂા. 40 લાખ જિલ્લા પંચાયતના ખાતામાં જમા કરાવ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer