માનકૂવા પાસે ત્રેવડા અકસ્માતમાં 12 મોત

માનકૂવા પાસે ત્રેવડા અકસ્માતમાં 12 મોત
ભુજ, તા. 15 : માનકૂવા નજીક ડાકડાઇ ગામના પાટિયા પાસે, મહાકાલેશ્વરનાં મંદિર સામે આજે બપોરે સર્જાયેલા ટ્રક-છકડો રિક્ષા-બાઇકના ત્રેવડા ગોઝારા અકસ્માતમાં 12 લોકોનાં કમકમાટીભર્યા મોત થયાં હતાં, જ્યારે છ જણ ઘાયલ થયા હતા. ટ્રકવાળાની ઓવરટેકની લ્હાયમાં આ અકસ્માત સર્જાયાનું ફરિયાદમાં લખાવાયું છે. ભુજના રિલાયન્સ પેટ્રોલપંપ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના શ્રમવીજીઓ છકડો રિક્ષા નં. જી.જે. 12 બી.યુ. 0571 ભાડે રાખી અને એક બાઇક નં. જી.જે. 12 એ.એસ. 1577 લઇ ગઇકાલે માંડવી અને માતાના મઢ દર્શનાર્થે ગયા હતા. રાત્રિરોકાણ માતાના મઢ કરી સવારે ત્યાંથી નીકળ્યા બાદ માનકૂવા પાસે પહોંચ્યા ત્યારે સામેથી આવતી બે ટ્રકોમાંથી ટ્રક નં. જી.જે. 12 એ.ડબલ્યુ. 8829એ આગળની ટ્રકને ઓવરટેક કરવા બેફામ ઝડપ પકડી અને સામેથી આવતા છકડા સાથે જોશભેર અથડાવી દીધી હતી. છકડાની નજીક જ સમાંતર પાછળ આવતી હોન્ડા બાઇક છકડામાં ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને કારમી ચીસો તથા લોહીમાંસ ફેલાઇ ગયા હતા. અકસ્માતમાં ત્રણ માસૂમ બાળક, આઠ યુવા અને એક વૃદ્ધા સહિતના 12 જણનાં જીવનદીપ બુઝાયા હતા. આ જીવલેણ અકસ્માતમાં પરબત ધનાજી ભલાઇ (ઉ.વ. 25), મુકેશ રણછોડ ચમાર (ઉ.વ. 35), રાધેશ્યામ શંકરલાલ ચમાર (ઉ.વ. 26), પપ્પુ રતનલાલ ભલાઇ (ઉ.વ. 25), રીના પપ્પુ રતનલાલ (ઉ.વ. 25), પૂજા રાધેશ્યામ ચમાર (ઉ.વ. 25), માધુ લાલુ ચમાર (ઉ.વ. 30), મહેશ રતનજી ભલાઈ (ઉ.વ. 30) તથા છ વર્ષીય માસૂમ ખુશી ઇશ્વરલાલ ચમાર અને એક-એક વર્ષના બાબુડી ઇશ્વરલાલ ચમાર, રોહિત પપ્પુ ચમાર તેમજ 60 વર્ષીય વૃદ્ધા વસુંધરાબેન રણછોડ ચમારે જીવ ગુમાવ્યા છે. જ્યારે મહેરબાન થાવરજી ભલાઇ (ઉ.વ. 25), ઇશ્વર રણછોડ ચમાર (ઉ.વ. 26), માયાબેન મુકેશ ચમાર (ઉ.વ. 23) અને રણછોડ નાનુરામ ચમાર (ઉ.વ. 35) , વર્ષાબેન ઈશ્વરલાલ ચમાર (ઉ.વ. 22) અને લાલાભાઈ કેરાભાઈ મારવાડી (ઉ.વ.30)ને ઓછી-વધુ ઇજા થતાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતકો અને ઘાયલોને ત્રણ 108 એમ્બ્યુલન્સ અને એક યુટિલિટી મારફત ઘટનાસ્થળથી તાબડતોબ ભુજ લઇ?અવાયા હતા. ઘટનાસ્થળની અમારા માનકૂવા પ્રતિનિધિ પ્રમોદસિંહ જાડેજાએ રૂબરૂ મુલાકાત લેતાં આસપાસની વાડીમાં કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે, આ ત્રેવડા અકસ્માતથી મોતની ચીસો અને રાડારાડીથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકે બુકડો વળેલી છકડો રિક્ષા તથા બાઇક દેખાયા હતા. રિક્ષામાં પડેલી વસ્તુઓમાં બાળકોના રમકડાં તથા આશાપુરા માતાજીની છબીઓ થેલીમાંથી વિખેરાયેલી અવસ્થામાં પડી હતી. આ ગંભીર અકસ્તમાત સર્જનાર ટ્રક નં. જી.જે. 12 એ. ડબલ્યુ. 8829નો ચાલક ઘટના સ્થળથી સહેજ દૂર દિશાસૂચક બોર્ડ સાથે ટ્રક ભટકાવી કેબિનમાંથી ઉતરીને ભાગી છૂટયો હતો. જયારે મોડીરાત્રે રાપર પોલીસે ટ્રકચાલક રમેશ કુંભાભાઈ સંજોટને ઝડપી પાડયાના અહેવાલ સાંપડયા છે. આ ગંભીર ઘટનાનાં પગલે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયા તથા ડીવાય. એસ.પી. એસ.કે. વાળાએ સ્થળ નિરીક્ષણ કરી દિશાનિર્દેશ આપ્યા હતા. શ્રી તોલંબિયાએ ઓવરટેકની લ્હાયમાં સામેથી આવતા છકડા સાથે અકસ્માત થઇ?શકે તેવું ચાલક જાણતો હોવા છતાં ગાડી દોડાવી હોવાથી 11 જિંદગીને હણી નાખતાં તેની સામે આકરી 304ની કલમનો ગુનો નોંધવા સૂચના આપી છે. મનુષ્ય વધ સહ અપરાધનો આ ગુનો બિનજામીનપાત્ર છે. દરમ્યાન ઘટનાસ્થળની નિરીક્ષણ એફએસએલની ટીમે કર્યું હતું. જ જેમાં ફોટોગ્રાફી કરતા ટ્રક ચાલકની બેદરકારી દેખાઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ માનકૂવા પોલીસ મથકના વાય. બી. રાણા અને ટીમ પહોંચી ગઇ હતી, જ્યારે ભુજથી જિલ્લા ટ્રાફિક પી.આઇ. જે.એમ. જાડેજા અને તેમની ટીમ ઘટનાસ્થળે ધસી જઇ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી હતી. દરમ્યાન, મૃતકો-ઘાયલોને ભુજમાં ખસેડાતાં ત્યાં પણ ભુજ પોલીસનો કાફલો પહોંચી આવ્યો હતો અને વ્યવસ્થા સંભાળી હતી. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં રાજકીય-સામાજિક અગ્રણીઓ એવા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા ભાજપ અગ્રણી જેમલ રબારી, જિલ્લા પંચાયત બાંધકામ શાખાના ચેરમેન ભીમજી જોધાણી તથા પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા, ફકીરમામદ કુંભાર વિગેરે જનરલ હોસ્પિટલ દોડી આવી અકસ્માતગ્રસ્તોને મદદરૂપ બન્યા હતા. આ તમામ મૃતકોની અંતિમવિધિ તેઓના મધ્યપ્રદેશ સ્થિત વતનમાં કરવાની હોવાથી મૃતકોને ત્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવાની દોડધામ કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ ગમખ્વાર ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી ભુજથી માતાના મઢ-લખપત સુધી ફોરલેન માર્ગ બનાવવાની વાત દોહરાવી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer