ડોસો માલમ ભરદરિયે દિવાસળી ફેંકી વાવડાની ચાલ પકડતો

ડોસો માલમ ભરદરિયે દિવાસળી ફેંકી વાવડાની ચાલ પકડતો
દેવેન્દ્ર વ્યાસ દ્વારા માંડવી, તા. 15 : અફાટ સાગરના ઉછળતાં મોજાંઓ સામે બાથો ભીડીને જોજનો દૂર સુધી સમુદ્રો ખૂંદનારા માલમીઓની આંતરસૂઝ અને વિદ્યા સદીઓથી અદ્ભુત રહી છે. સાહસિક સાગરખેડુઓ પરંપરાગત રીતે આ વિદ્યાને હાંસલ કરવાની સાથે નવોડિયાઓને બખૂબીથી ઘડતા રહ્યા છે. રડાર અને જી.પી.એસ. યુગમાં માલમોની અનિવાર્યતા ઘટતી રહી હોવા છતાં યાંત્રિક મુશ્કેલીઓ સર્જાય તે વેળાએ દરિયાની તાસીર જાણતલ માલમ વહાણવટામાં આધારસ્તંભ મનાય છે. આવા માલમોને અનુભવના આધારે પ્રશિક્ષણ આપનારાઓના ઉસ્તાદ કે ગુરુનું સ્થાન બહુમૂલ્ય છે. દરિયો અને રણ વચાળે ડુંગરો જેની અસ્મિતાનું ઘરેણું છે એવા કચ્છનો સૈકાઓથી દરિયાઇ માર્ગે દેશ-વિદેશમાં ડંકો વાગતો રહ્યો છે. ફિરંગીઓને ભારતનો દરિયાઇ માર્ગ બતાવનારો કાનજી માલમ અહીંનો ખારવો હતો. એ વેળાએ સઢવાળા વહાણોની યાતાયાત રહેતી. દેશી વહાણોમાં વિજાણું યંત્રો, ઉપકરણો કલ્પનાતીત હતા, તે સમયે પવનની પરખ, ક્ષિતિજની પેલે પાર જળમાર્ગ ખૂંદવો એ કાચાપોચાના ગજા બહાર હતું. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ન ઉપજે વહાણની આ બનાવટ તથા તેની યાંત્રિક ખૂબીઓ-ખામીઓ જાતે જાણી શિષ્ય રૂપી નવોદિત ખારવાઓને શીખવનારા ગુરુઓ આજે ખારવા સમાજમાં ઘરોઘર યાદ કરાય છે. વહાણની વાત આવે ત્યારે ખમતીધર વહાણમાલિક તેના અતિ વિશ્વાસુ અને અનુભવી કાબેલ સાગરખેડુને નાખવા (નાખુદા)ની જવાબદારી માટે મુકરર કરે. નાખવો સરળ શબ્દોમાં વહાણનું વ્યવસ્થાપન-સંચાલન સંભાળે. વ્યવસાયિક ક્ષેત્રે નાખવો એટલે સાગર સફરનો મુખિયો ! વહાણનું મહત્ત્વનું માનવ પરિબળ એટલે માલમ. આ માલમ દરિયાની તાસીર અને તસવીરનો જાણતલ હોય. કોઠાસૂઝ બળૂકી હોય તો બે-અઢી વર્ષમાં માલમ પોતાના વિદ્યાકૌશલ્યમાં પારંગત થઇ જાય. સઢ અને સુકાન માટે માલમનો નિર્ણય મહત્ત્વનો રહે. યાંત્રિક વહાણોનું ચલણ આવતાં વહાણમાં ડ્રાઇવર આવશ્યક અંગ ગણાયો. ઓઇલમેન તરીકે તેણે કામગીરી સંભાળવાની હોય. `સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ' કહેવતને યાદ કરવી પડે તેવી રીતે જે તે વિભાગમાં ચૂક કરનારને ઉસ્તાદ ખખડાવી નાખે. અશોક પ્રિન્ટરીવાળા દીપક દામજી હુદાર (ખારવા)એ પરંપરાગત વ્યવસાયને અલવિદા કરી, પરંતુ સાગરખેડુ તરીકેના અનુભવો તાજાં કરતાં કહ્યું કે, ભૂલોમાં સુધાર ઓછો અનુભવાય તો કેટલીકવાર સાગીર્દે ફૂટપટ્ટી-સોટી પણ ખાવી પડે. દીપકે આપેલી જાણકારી પ્રમાણે ડોસો માલમ દરિયામાં દિવાસળી ફેંકીને વહાણની ચાલ (ગતિ)ની પરખ પારખી લેતો...! દોઢેક વર્ષ પહેલાં `જય દરિયાલાલ' નામના હતભાગી વહાણે જળસમાધિ લીધી હતી, તેના માલિક મહેન્દ્ર જેરામ પરમાર કુશળ માલમ મનાય છે. 12મું ધોરણ પાસ કર્યા પછી નોકરી ન મળી એટલે 40 દિવસોની ફિશરીઝ તાલીમ લીધી. માંડવી-મુંદરા વચ્ચે લોંચ-બાજ મારફતે મીઠાની ટ્રીપો ચાલતી. ખારવાનો દીકરો એટલે આગવું ખમીર અને ઝમીર ખૂનમાં. હંસરાજ ઝાલા અને ખીમજી માલમ મહેન્દ્રભાઇના ગુરુ. આ માલમીએ રેતી ઉપર આંગળીના ટેરવે ચાસ પાડીને અક્ષાંશ-રેખાંશની આકૃતિઓ સર્જીને ગણતરીઓ સમજાવી. સાડા ત્રણ દાયકાઓ દરમ્યાન તેમણે સોમાલિયા છોડીને ગલ્ફ, યમન સહિતનો વિશાળ દરિયો ખૂંદ્યો છે. સાઠી વટાવી ચૂકેલા એ સાગરખેડુને નિવૃત્તિ કબૂલ નથી. કૈલાસ ઠાકરશી, દિનેશ ત્રિવેદી, કિશોર મીઠુ ચાવડા ઉપરાંત પોરબંદર પંથકમાં તેમના શાગીર્દો હોવાની વિગતો આપતાં તેઓએ ઉમેર્યું કે કેટલાક શિષ્યોએ ગુરુ કરતાં સવાયા માનવા પડે એવી આવડત હાંસલ કરી છે. જી.પી.એસ., રડાર સુલભ હોવાથી ઘણીવાર બેફિકરાઈની માનસિકતા દઝાડે છે. જૂના માલમીઓની સરખામણીએ હવે કાર્યક્ષમતાનું સ્તર ઊતરતું જતું હોવા છતાં એ પરંપરાગત વિદ્યા-કૌશલ્ય-આવડતનું મહત્ત્વ સાવ તળિયે નથી ગયું. કોઇ પણ યાંત્રિક સાધનોનો સહારો લીધા વગર માલમો મોઢે (કંઠસ્થ) કરેલા કોષ્ટકોની મદદથી વહાણનું સંચાલન કરીને નિર્ધારિત સ્થાને પહોંચાડે એ વાત નાની નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer