રોહિત બની શકે છે ટી-20, વન-ડેનો સુકાની : વિરાટને ટેસ્ટની કમાન

રોહિત બની શકે છે ટી-20, વન-ડેનો   સુકાની : વિરાટને ટેસ્ટની કમાન
નવી દિલ્હી, તા. 15 : વિશ્વકપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમની ન્યૂઝીલેન્ડ સામેની આંચકારૂપ હાર પણ ઘણી ચર્ચા થઇ રહી છે કે શું ટીમ ફકત બે જ ખેલાડી રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલી પર નિર્ભર છે. ટૂર્નામેન્ટનો સ્કોરબોર્ડ આ વાતની પુષ્ટિ કરે છે. એવા પણ રિપોર્ટ છે કે બીસીસીઆઇ બન્નેના સુકાનીપદના વિભાગની પણ ચર્ચા કરી શકે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, આગામી શ્રેણી પૂર્વે રોહિત શર્માને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવે અને વિરાટ કોહલી ટેસ્ટનું કપ્તાનપદ સંભાળી રાખે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટીમને સારી બનાવવા માટે ખૂબ ઝડપથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, આ યોગ્ય સમય છે કે, રોહિત શર્મા 50 ઓવર કેપ્ટનશિપ સંભાળી લે અને તે માટે માનસિક રીતે તૈયાર થઇ જાય. તે માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે સમર્થન પણ જાહેર કર્યું છે. તેમણે હાલના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે વિવાદ હોવાની વાત નકારી હતી. તેમણે કહ્યું, હવે જૂની વાતો વિશે વાત કરવાનો સમય નથી પરંતુ આગળની તૈયારીઓ કરવાનો સમય છે. આ જ સમય છે કે, આપણે હવે આગળના વર્લ્ડકપની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. નવી રીતે ટીમ તૈયાર કરવા વિશે વિચાર કરવામાં આવશે અને નવી યોજનાઓ બનાવવામાં આવશે. અમે જાણીએ છીએ કે, ટીમમાં ફેરફાર કરવાની જરૂર છે અને અમુક ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની જરૂર છે. રોહિત તે માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer