પાછલાં ચાર વર્ષની સખત મહેનતનું ફળ : મોર્ગન

લંડન, તા. 1પ : વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનારા ઈંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગને આ સફળતા પાછલા ચાર વર્ષની આકરી મહેનતનું પરિણામ ગણાવી હતી. મેચ બાદના ઇનામ વિતરણ સમારંભમાં તેણે કહ્યું કે આ પાછલા ચાર વર્ષની સફરનું પરિણામ છે. અમે આ ચાર વર્ષમાં ઘણો સુધારો કર્યો. ખાસ કરીને પાછલા બે વર્ષમાં. આ વિકેટ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી,પણ આખરે જીતની રેખા પાર કરવી સૌથી મોટી ખુશી છે. મોર્ગને ફાઇનલની જીતનો શ્રેય બેન સ્ટોકસ અને જોસ બટલરની જોડીને આપ્યો હતો. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 110 રનની ભાગીદારી થઇ હતી. મોર્ગને સ્વીકાર્યું કે ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેષ્ઠ છે. તેમણે જે રીતે લડત આપી તે બધા માટે પ્રેરિત કરનારી છે. આ એક મુશ્કેલ મુકાબલો હતો. ફાઇનલમાં કિસ્મત અમારી સાથે હતી. મોર્ગને એવું પણ સ્વીકાર્યું કે પૂરી ટૂર્નામેન્ટમાં એ (કિવીઝ) અમારીથી કદાચ સારું રમી હશે, પણ આજે ટ્રોફી અમારા હાથમાં છે. આથી એવું કહી શકાય કે આજનો દિવસ ઇંગ્લેન્ડનો હતો. મોર્ગને એમ પણ કહ્યંy કે અમારી સાથે અલ્લાહ પણ હતા. મને આદિલ રશિદે કહ્યું કે અલ્લાહ આપણી સાથે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ખુદ મોર્ગન આયરલેન્ડનો છે. બેન સ્ટોકસનો જન્મ ન્યૂઝીલેન્ડમાં થયો છે. આદિલ રશિદ-મોઇન અલી પાકિસ્તાની મૂળના છે. જેસન રોય દ. આફ્રિકાનો છે. જોફ્રા આર્ચર વેસ્ટ ઇન્ડિઝથી આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer