કચ્છમાં ગોઝારા અકસ્માતોનો સિલસિલો જારી

ભુજ, તા. 15 : કચ્છમાં ગોઝારા અકસ્માતોનો સિલસિલો જારી છે અને તેમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. આજે માનકૂવા પાસે થયેલા ગમખ્વાર ત્રેવડા અકસ્માતના પગલે જિલ્લામાં માર્ગ અકસ્માતોની યાદો તાજી થઇ હતી. આજના ગોઝારા અકસ્માતમાં ત્રણ માસૂમ, સાત યુવાઓ અને એક વૃદ્ધા સહિત કુલ્લ 12 લોકોના જીવનદીપ બુઝાયા છે. કચ્છના માર્ગો રક્તરંજિત થયાની ગોઝારી તવારીખો પર નજર કરીએ તો ચાલુ વર્ષે 26મી એપ્રિલના માળિયા-હળવદ હાઇવે પરના રાપરના પાટિયા પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે મહિલા સહિત છ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેમાં બેકાબૂ કાર ડિવાઇડર કૂદી સામેથી આવતી કારમાં અથડાઇ હતી. ગત વર્ષ 2018ના 30મી ડિસેમ્બરના ચીરઇ?પાસે?થયેલો કાળમુખો અકસ્માત 10 લોકોને ભરખી ગયો હતો. ટ્રેઇલર, નમક ભરેલા ડમ્પર વચ્ચે એક ઇનોવા કાર દબાઇ જવાના આ ભયંકર અકસ્માતમાં ભુજના એક પરિવારની 10 વ્યક્તિ કાળનો કોળિયો બની હતી. આ પૂર્વે 19મી જુલાઇ 2018ના લાકડિયાથી રાજકોટ જતો પરિવાર પીંખાયો હતો. કાર અને ટ્રકની ટક્કર 8 જણ માટે જીવલેણ બની હતી. જ્યારે 30મી એપ્રિલ 2018ના ખેડોઇ પાસે લોહિયાળ અકસ્માતમાં રોંગ સાઇડમાં દોડતી ટ્રકે પાંચ જણનો ભોગ લેતાં એક પરિવારનો માળો પીંખી નાખ્યો હતો.