રાજ્યમંત્રીની સૂચનાને પગલે પાંચ શબવાહિની રવાના કરાઇ

ભુજ, તા. 15 : માનકૂવા પાસે આજે અકસ્માતમાં માર્યા ગયેલા મધ્યપ્રદેશના શ્રીમજીવીઓના 11 મૃતદેહોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા સરકારના પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની સૂચનાને પગલે પાંચ શબવાહિનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યંત ગંભીર બનાવને પગલે સરકાર તરફથી મદદ મળે તે માટે જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ અને પક્ષના પ્રભારી બિપિનભાઇ દવેએ તુરંત રાજ્યમંત્રી શ્રી આહીરનું ધ્યાન દોરી યોગ્ય મદદની ગુહાર લગાવી હતી. તુરત જ વાસણભાઇએ કચ્છના કલેક્ટર રેમ્યા મોહનને જાણ કરી મૃતદેહને મધ્યપ્રદેશ મોકલવા માટે અદાણી હોસ્પિટલ ઉપરાંત ખાનગી સંસ્થાઓની પાંચ શબવાહિનીની વ્યવસ્થા કરીને મૃતદેહોને રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકાર તરફથી પણ મૃતક પરિવારને મદદ કરવાની ખાતરી આપી હતી. મંત્રીના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ સુધી મૃતદેહ તથા તેમના સંબંધીઓને મોકલવામાં અમારા ભાજપના આગેવાનો પણ મદદમાં જોડાયા હતા અને મોડી સાંજે તેમની રસ્તાની જરૂરિયાત પણ પૂરી કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer