ભુજના રિલાયન્સ મોલમાંથી 10 લાખના માલ-રોકડની ચોરી કરી કર્મચારી છૂ

ભુજ, તા. 15 : શહેરના ભાનુશાલીનગર સ્થિત રિલાયન્સ મોલમાં કામ કરતો કર્મચારી મોલમાંથી માલ તેમજ રોકડની કુલ્લ મળીને રૂા. 10,13,359ની ઉઠાંતરી કરીને છૂ થઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. બી-ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે મૂળ રાજકોટના હાલે એસેન્ટ હોટલ-લાલ ટેકરી ખાતે રહેતા શેખર રાજકુમાર બોસે લખાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાનુશાલીનગરના ઓધવકૃપા ખાતે રહેતા દર્શન ખેંગારભાઇ પરમાર નામનો યુવક રિલાયન્સ મોલમાં નોકરી કરતો હતો. આરોપી દર્શને નોકરી દરમ્યાન ટુકડે ટુકડે વિવિધ કોસ્મેટિક વસ્તુઓ તેમજ અનાજ-કરિયાણાની ચોરી કરી અન્ય દુકાનમાં વેચાણ કરી દીધું હતું. આ બધો માલ રૂા. 6,54,850નો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. આ વસ્તુઓ ઉપરાંત પણ દર્શન તા. 4/7/19ના આખા દિવસનો મોલ વકરો રૂા. 3,36,809 તેમજ એકાઉન્ટના ખર્ચ પેટે આપવામાં આવેલા રૂા. 21000 ચાઉં કરી ગયો હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે. આમ, દર્શન માલ તેમજ રોકડની કુલ્લ મળીને રૂા. 10,13,359ની ચોરી કરીને નાસી છૂટયાની ફરિયાદ લખાવાઇ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આવા મોટાં મોલ તેમજ સુપર માર્કેટ ઉપરાંત હવે તો નાની-નાની કરિયાણાની દુકાનોમાં પણ સીસીટીવી કેમેરા રાખીને ખરીદી કરવાના બહાને આવતાં ઉઠાવગીરો કેમેરામાં કેદ થતાં જ ઝડપાઈ જતાં હોય છે ત્યારે આ કર્મચારી કઈ રીતે કળા કરી ગયો તે પણ તપાસનો વિષય છે. આમાં તેની સાથે અન્યોની પણ સામેલગીરી નકારી શકાતી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer