કચ્છમાં ચાર જણે અકાળે જીવન ગુમાવ્યું

ગાંધીધામ, તા. 15 : તાલુકાના જવાહરનગરમાં લાકડાંના બેન્સામાં લાકડાં માથે પડતાં શાંતાબેન પ્રકાશ ડોડિયાર (ઉ.વ. 28) નામના મહિલાનું મોત થયું હતું. બીજી બાજુ આદિપુરમાં રવિ બીજલ આગરિયા (ઉ.વ. 25) નામના યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. તેમજ અબડાસાના ભવાનીપર, મોથાળા ચેકપોસ્ટ નજીક ટ્રક અને છોટા હાથી (છકડો) ભટકાતાં ચતુરગર હરિગર ગુંસાઇ (ઉ.વ. 36) નામના યુવાનનું મોત થયું હતું તથા નખત્રાણામાં અજાણી કારની હડફેટે ચડતાં હર્ષદપુરી ગોસ્વામી નામના બાઇકચાલકનું મોત થયું હતું. જવાહરનગરમાં તિરુપતિ રીલ્સ નામના લાકડાંના બેન્સામાં રહેતા તથા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શાંતાબેનનું આજે મોત થયું હતું. આ મહિલા આજે બપોરે અન્ય શ્રમિકો સાથે લાકડાના ઢગલા કરવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અકસ્માતે ઉપરથી લાકડાં નીચે પડતાં આ મહિલાને માથામાં ઇજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું હતું. તેમજ અન્ય એક મહિલાને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ આદિપુરના વોર્ડ-4-એ વિસ્તારમાં રહેતા રવિ આગરિયાએ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાને પોતાના ઘરે લાકડાંની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ પછવાડેનું કારણ અકળ છે. ભવાની પર, મોથાળા ચેકપોસ્ટ નજીક કતિરા ડામર પ્લાન્ટની પાસે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ચતુરગર નામનો યુવાન છકડા નંબર જી.જે. 12-બી.ડબલ્યુ. 6095વાળો લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન સામેથી આવતી ટ્રક નંબર જી.જે. 07 વાય.વાય. 5612 સાથે ટક્કર થઇ હતી. જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. ટ્રકચાલક વિરુદ્ધ મહેશગર રવિગર ગુંસાઇએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નખત્રાણાના એસ.ટી. વર્કશોપથી આગળ હનુમાન મંદિર પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યે હતો. હર્ષદપુરી ગોસ્વામી બાઇક નંબર જી.જે. 12-ડી.આર. 5167વાળી લઇને જઇ રહ્યા હતા. દરમ્યાન પાછળથી આવતી અજાણી કારે આ બાઇકને હડફેટમાં લીધી હતી. આ બાઇકચાલકને ગંભીર ઇજાઓ થવાના પગલે તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જી નાસી જનારા કારચાલક વિરુદ્ધ જિજ્ઞેશપુરી ગોસ્વામીએઁ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer