કંડલાની જર્જરિત શાળામાં ચાલુ વર્ગે છતમાંથી પોપડાં ખરતાં દોડધામ

ગાંધીધામ, તા. 15 :બંદરીય કંડલા ખાતેના દીન દયાલ પોર્ટ દ્વારા સંચાલિત ભારતીય વિદ્યા મંદિર સ્કૂલ ખાતે છતમાંથી પથ્થર પડવાની વધુ એક વખત ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ પ્રસર્યો હતો. પ્રશાસન દ્વારા ઈમારતની ખાસ્તા હાલત અંગે કોઈ નિર્ણય લેવાતો નથી.જો કે આ ઘટના બાદ પ્રશાસન સફાળું જાગ્યું છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કંડલાની શાળામાં શનિવારે બાળકો અભ્યાસ કરતા હતા તે અરસામાં અચાનક તૂટેલી છતમાંથી મોટો પથ્થર પડયો હતો. જો કે આ બનાવમાં સદ્નસીબે કોઈ બાળકને ગંભીર ઈજા પહોંચી ન હતી. આ બનાવના પગલે શાળામાં ભારે દોડધામ થઈ પડી હતી, અને નાના બાળકોમાં ભારે ગભરાટ પ્રસર્યો હતો. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે કંડલાની આ શાળાની ઈમારત જર્જરિત હોવા અંગે ચીફ ઈજનેરની અધ્યક્ષતા હેઠળની કમિટીએ અહેવાલ આપ્યો હતો. બિલ્ડિંગ અનફિટ હોવાની સત્તાવાર જાહેરાત બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા. આ અહેવાલ પણ ફાઈલોમાં જ અટવાઈ ગયો હતો.શનિવારે શાળામાં બનેલા બનાવના પગલે પોર્ટ પ્રશાસન સફાળું જાગ્યું છે.આવતીકાલે આ અંગે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં શાળાને ગોપાલપુરી ખસેડવાની તજવીજ આદરવામાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer