આચાર્ય તુલસીએ આધ્યાત્મિકતાનો સંદેશો આપ્યો

ભુજ, તા. 15 : તેરાપંથ સંપ્રદાયના નવમા આચાર્ય તુલસીજી ક્રાંતિકારી આચાર્ય હતા. જૈનધર્મમાં અવનવી ક્રાંતિ તથા ધર્મનું નવા રૂપરંગ દ્વારા વર્તમાન યુગને અનુરૂપ લોકોને ધાર્મિકતા અને આધ્યાત્મિકનો સંદેશ કેમ વધુ મળી શકે તેવો તેમનો આશય હતો, સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા વચ્ચેની કડી એટલે કે સમળ શ્રેણીની શરૂઆત કરી જેમાં જૈન સાધુ-સાધ્વી કે જેઓ પગપાળા વિહાર કરે છે તેવું ભુજ આવેલા જૈન સંતોએ આચાર્ય તુલસી વિષે કહ્યું હતું. ભુજમાં પણ ચાતુર્માસ અર્થે આવેલા સમળી કમલપ્રજ્ઞાજી, કરુણાપ્રજ્ઞાજી તથા સુમનપ્રજ્ઞાજી જોડાયા છે. જેમાં કરુણાપ્રજ્ઞાજી તો ભુજના જ દીકરી અને માતૃછાયામાં અભ્યાસ કરીને જન્મ, શિક્ષણ તથા વૈરાગ્ય એમ ત્રણે આ જ માતૃભૂમિમાંથી મેળવ્યા હોવાથી આચાર્ય મહાશ્રમણજીની આજ્ઞાથી માતૃભૂમિનું ઋણ અદા કરવા આવ્યા છે. પચ્ચીસ વર્ષોથી પણ વધુ સમયથી દીક્ષા અંગીકાર કરીને પહેલી જ વખત ચાતુર્માસ અર્થે આવેલા હોવાથી સમગ્ર વાગડ બે ચોવીસી સમાજની દીકરી હોઇ સમગ્ર સમાજમાં આધ્યાત્મિકતાની લહેર ઉઠી રહી છે. તેઓ પણ પોતાના ગામ તથા સમાજનું ઋણ ઉતારવા માટે લોકેમાં ધાર્મિકતાને વધુ ને વધુ પ્રબળ બનાવવા માટે ખૂબ જ પ્રયત્નરત છે. તેઓ અત્યાર સુધી સમગ્ર ભારત, ભૂતાન, નેપાળ યુ.એ.ઇ., દુબઇ, અબુધાબી, લંડન વગેરે જગ્યાએ નૈતિકતા પ્રામાણિકતાનો સંદેશ ફેલાવી ભગવાન મહાવીરની વાણી લોકોના હૃદય સુધી પહોંચાડી લોકોમાં સકારાત્મકતા દ્વારા જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે. ભુજ ચાતુર્માસ દરમ્યાન દરરોજ સવારે 9થી 10 તથા રાત્રે 9થી 10 પ્રવચન તથા દરરોજ રાત્રિકાલિન પ્રવચનમાં વિવિધ તથા સ્પીરુચીયલ તેમજ પર્સનાલિટી ડેવલોપમેન્ટ તથા કવીઝ, તેરાપંથ ઇતિહાસ દર્શન, વિવિધ જ્ઞાનવર્ધક પ્રતિયોગીતા જેવી વિવિધતામાં એકતા વિગેરે કાર્યક્રમો દ્વારા ધર્મની જીવનમાં ઉપયોગીતાનું માર્ગદર્શન સાથે ઉપદેશ આપવામાં આવશે. ચાતુર્માસમાં લોકો જ્ઞાન, દર્શન અને ચારિત્રથી સંપન્ન બને તેવો તેમનો મુખ્ય ઉદેશ્ય છે.