માંડવી-મુંદરા માર્ગને પહોળો કરવાનો પ્રારંભ

માંડવી-મુંદરા માર્ગને પહોળો કરવાનો પ્રારંભ
કોડાય, (તા. માંડવી) તા. 15 : રાજ્ય સરકાર ગ્રામીણ વિકાસ માટે સતત ચિંતિત છે ત્યારે માંડવી-મુંદરાના ગામડાઓનો વિકાસ વધુ વેગવાન બને અને પ્રવાસન તેમજ ટ્રાન્સપોર્ટ સહિતનો વિકાસ સાકાર થાય તેવા સંજોગો માંડવી-મુંદરાને જોડતા માર્ગને પહોળો કરવાથી ઊભા થશે. માંડવી-ગુંદિયાળી-ઝરપરા- મુંદરાના 19 કિ. મી.ના રસ્તા પહોળા કરવાના કામનો રૂા. 30 કરોડના ખર્ચે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરાયો હતો. જાગનાથ મંદિર પાસે, મસ્કા રોડ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વાગત કરતાં માંડવીના નગરપતિ મેહુલભાઇ શાહે આ રોડના નિર્માણથી વિકાસની આવન-જાવન થશે તેમ કહ્યું હતું. તાલુકા ભાજપના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ત્રગડી-ઝરપરા-મસ્કા સહિતના ગામો માટે આ રોડ વધુ ઉપયોગી નીવડશે તેમ જણાવતાં ભાજપના સદસ્યતા અભિયાનને વેગવાન બનાવવા જણાવ્યું હતું. શહેર ભાજપના પ્રમુખ અરવિંદ ગોહિલે વિકાસની વણઝાર વચ્ચે પાણીની વિકટ પરિસ્થિતિમાં પાણી બચાવવા સૌને અપીલ કરી હતી. તા. પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણીએ રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી વિકાસથી સૌને વાકેફ કર્યા હતા. મંચસ્થ પ્રવીણ વેલાણી (ચેરમેન એ.પી.એમ.સી.), પાર્વતીબેન મોતા (જિ.પં.), પ્રદ્યુમનસિંહ જાડેજા (કા. ચેરમેન તા.પં.), સુરેશ સંગાર (તા.ભા. મહામંત્રી), દિનેશ હીરાણી (કા. ચેરમેન, નગરપાલિકા), નરેન્દ્ર પીઠડિયા, રણજિતસિંહ જાડેજા (મુંદરા) સહિતનું સન્માન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા માંડવીથી મુંદરાને જોડતા આ ટૂંકા રાજ્ય ધોરીમાર્ગને રૂા. 30 કરોડના ખર્ચે પહોળો કરવાના કામના ખાતમુહૂર્તથી કાંઠાળ પટ્ટાના ગામો માટે આશીર્વાદરૂપ નીવડશે, જેથી પંથકના લોકોમાં આનંદ વ્યાપ્યો હતો. તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાણશી ગઢવી, શિલ્પાબેન નાથાણી, કીર્તિભાઇ ગોર (સરપંચ, મસ્કા), નરેનભાઇ સોની વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી, કીર્તિભાઇ ગોર, હિતેષ મહેતા અને કાર્યકરોએ સંભાળી હતી. સંચાલન શહેર ભાજપના મહામંત્રી વિજય ચૌહાણ અને આભારવિધિ મહામંત્રી રાજેશ કાનાણીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer