એક ગ્લાસ મિલ્કશેક અને બાર હજાર ખર્ચ

ભુજ, તા. 15 : શહેરના બસ સ્ટેશનથી આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ સુધીમાં એક લેભાગુ ઠગ ટોળી ઊતરી છે જેનાથી સાવધાન રહેવા અને પોલીસને પણ બંદોબસ્ત વધારવા ભોગગ્રસ્ત દ્વારા અનુરોધ કરાયો છે. માંડવી તાલુકાનાં હમલા મંજલ ખાતે નિવૃત્ત સાધુજીવન વ્યતિત કરતા ગઢવી અગ્રણીના જણાવ્યાનુસાર બે દિવસ પહેલાં તેઓ ભુજ સંબંધીને મળવા આવ્યા ત્યારે બસ સ્ટેશને એક શાકભાજીના છૂટક કાછિયા જેવા શખ્સે પગે લાગી મહારાજ આ વર્ષે કેસર કેરી અને ખારેકની મજૂરીમાં ખૂબ કમાયો છું એ તમારા જેવા સાધુ-સંતોના આશીર્વાદ છે, એવું કહી પગમાં રોકડ રકમ ધરી હતી જે સ્વીકારવાનો આ સજ્જને સવિનય ઈન્કાર કરતાં એ શખ્સ દોડીને એક ગ્લાસ મિલ્કશેક લાવ્યો હતો અને આજે અગિયારસના આટલું ગ્રહણ કરો ને કરો એવી જીદ પકડી હતી. સાધુજીવન જીવતા સજ્જને એની લાગણી જોઈ એ ગ્લાસ પીધો પણ પીધાની સાથે જ તેઓ સ્વસ્થતા ગુમાવવા મંડયા અને `કંઈક' થઈ રહ્યંy છે તેવું ભાન પડતાં જ તેમણે આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ પર રાહ જોઈ રહેલા સજ્જન પાસે પહોંચવા દોટ મૂકી હતી. પેલો લેભાગુ પાછળ પાછળ આવ્યો પણ સાધુ સ્વજન સુધી પહોંચી જતાં ઠગના ઓરતાં અધૂરાં રહ્યાં હતાં પરંતુ આ ભાઈ મુશ્કેલીમાં આવી ગયા હતા. એક ગ્લાસ મિલ્કશેકમાં જે મીલાવાયું હોય તે પણ તેની તીવ્ર અસર થઈ અને સજ્જનના ઘેર પહોંચતાં પહેલાં સાધુ ઢળી પડયા અને પ્રથમ તેમને ભુજમાં ન્યૂરોસર્જન પાસે લઈ જવાયા તથા બ્રેઈન સ્ટ્રોકની આશંકા જાગી પછી લેવા પટેલ હોસ્પિટલમાં બધી ટ્રીટમેન્ટ શરૂ થઈ, ગણતરીના સમયમાં નિવૃત્ત અને સેવાભાવી એવા આ મહાશયના 10-12 હજાર વપરાઈ ગયા અને સાંજ પડતાં તેઓ સ્વસ્થ થઈ ગયા, સવારે તો તેમણે તબીબને કહ્યું, હું તમારી સાથે દોડ લગાવું એવી સ્થિતિ છે. કોઈ કેફીપદાર્થ પીવડાવી આ સાધુ જેવા લાગતા સજ્જન પર ઠગે પ્રયોગ કર્યો હતો અને આવા પ્રયોગ હવે અન્ય પર પણ થાય તેવી દહેશત જાગૃતોએ દર્શાવી હોવાથી પોલીસ સક્રિય થાય તથા નાગરિકો ખુદ પણ સતર્ક રહે તેવો અનુરોધ કારણ વગર બચત ગુમાવી બેઠેલા સજ્જને કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer