સાવધાન ! કચ્છનાં ભૂતળ ખાલી થાય છે

સાવધાન !  કચ્છનાં ભૂતળ ખાલી થાય છે
ગિરીશ જોશી દ્વારા = ભુજ, તા. 26 : ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ભૂગર્ભજળ દિવસોદિવસ નીચે ઊતરતા જાય છે. નિષ્ણાતોએ એવી ચેતવણી આપી છે કે ભવિષ્યમાં યુદ્ધ  પાણી માટે પણ થઇ શકે છે. આ માહોલમાં કચ્છની સમીક્ષા કરતાં ચિત્ર ચોંકાવનારું ઉપસે છે. છેલ્લા બે વર્ષથી કચ્છ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. ભારતના આ છેવાડાના જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન થયેલા ભૂગર્ભજળના સંશોધને લાલબત્તી ધરી છે કે, બેફામ ગરમી, ઉપરાઉપરી દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગની અસરો, અણઘડ આયોજન, ભૂગર્ભજળની ઉઘાડી લૂંટ થકી આવનારા દિવસોમાં પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારવા પડશે. બે-બે વર્ષથી દુકાળનો સામનો કરતી કચ્છની ધરતી પણ હવે જાણે નિચોવાઇ ગઇ છે.  કચ્છ ઉપર પાણી અંગે અભ્યાસ કરતા નિષ્ણાતો પણ ચિંતિત છે. આ તો નર્મદાનાં નીર થકી લાજ રહી ગઇ હોય તેવું છે, કારણ કે જો નર્મદાનાં પેયજળ કચ્છને મળતા ન હોય તો સ્થિતિ કદાચ ઉત્તરપ્રદેશ જેવી થઇ ગઇ હોત. ખુદ પાણી પુરવઠા બોર્ડ હસ્તકના 750 બોર છે. કચ્છના અનેક વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા આ બોર દિવસો દિવસ નીચે ઊતરતા જાય છે અને ક્ષારનું પ્રમાણ વધતું જાય છે. પાંચ વરસ પહેલાં અને અત્યારે 50 ફૂટ જેટલા નીચે ઊતરી ગયા છે કારણ કે કચ્છમાં દરેક વિસ્તારમાં તળિયાના પાણીની સ્થિતિ અલગ-અલગ છે અને તળ નીચે ઊતરે છે એ વાતને ખુદ પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક ઇજનેર એલ.જે. ફુફલે સમર્થન આપ્યું હતું. અનેક ગામોને પેયજળ પૂરું પાડતા ભૂગર્ભ બેલ્ટ જે નેત્રા-ખીરસરા, લેર, મમુઆરા, લાખોંદ, વીડી, નાગલપર, સિનુગ્રા, લુણવા, ચોપડવા, આ તમામ સ્થળે પાણી પુરવઠા બોર્ડના બોરવેલ છે. વર્ષો થઇ ગયા તળમાંથી પાણી ખેંચવામાં આવે છે પરંતુ હાલની આવી સ્થિતિ પ્રથમ વખત સામે આવી છે, તેવું શ્રી ફુફલ કહે છે. કારણ કે પાંચ વરસ પહેલાં જે બોરવેલમાંથી એક કલાકમાં લાખ લિટર પાણી ખેંચવામાં આવતા હતા તે હવે માંડ આખા દિવસમાં ત્રણેક લાખ લિટર પાણી બહાર આવી શકે છે. પાંચ વરસ પહેલાં બોરવેલની સંખ્યા 500 હતી પરંતુ પાણીની જરૂરિયાત દિવસો- દિવસ વધતા જતાં અત્યારે સંખ્યા 750ની છે તેવું તેમણે જણાવ્યું હતું. આ 750 બોરવેલમાંથી પેયજળનો જથ્થો કેટલો ખેંચવામાં આવે છે એ સવાલ સામે તેમણે કહ્યું કે પાંચ વરસ પહેલાં દૈનિક 10 કરોડ લિટર જથ્થો ખેંચવામાં આવતો હતો અને હાલમાં 15 કરોડ લિટર પાણી ઉલેચવામાં આવે છે. રોજ પાંચ કરોડ લિટરની માંગ એક માત્ર પાણી પુરવઠા બોર્ડના બોરવેલમાંથી વધી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે જે બોરવેલનાં પાણી કચ્છના લોકો પી રહ્યા છે તેમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, કયાંક તો 2500 ટીડીએસવાળું પાણી નર્મદાના પાણીમાં મિકસ કરીને વિતરિત કરવામાં આવે છે. ખુદ કચ્છની ધરતી પણ પોકારે છે પાણી.... પાણી ત્યારે સતત આટલી મોટી ટી.ડી.એસ.ની માત્રાવાળું પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને પણ મોટી અસર થાય છે અને ખાસ કરીને પથરી અને પેટની બીમારીવાળાની સંખ્યા વધતી જાય છે. ભુજના સર્જન ડો. મુકેશ ચંદેને પૂછવામાં આવ્યું કે પથરીવાળા દર્દીઓની સંખ્યા વધે છે ? ત્યારે તેમણે કહ્યું કે સાચી વાત છે રોજ એકલા મારી પાસે દશેક દર્દીઓ પથરીની પીડાના આવે છે. તેમાંય કિડનીમાં પથરી હોય તેવાની સંખ્યા વધારે રહે છે. તેમણે કહ્યું કે ક્ષાર વધુ હોય તેવું પાણી પીવાથી સ્વાભાવિકે પથરી કે આંતરડામાં તકલીફ થાય છે. રોજ 40 જેટલા પથરીવાળા કેસ કચ્છના ડોકટરો પાસે નોંધાય છે. વચ્ચે થોડા સમય પહેલાં નર્મદાનાં પાણીનો ઉપયોગ વધ્યો હતો, ત્યારે આટલી સંખ્યા ન હતી પણ હાલમાં વધી ગઇ છે. આ તો માત્ર પાણી પુરવઠા બોર્ડ હસ્તકના બોરવેલની વાત છે પરંતુ ખેતીવાડી ક્ષેત્રે બોરમાંથી ખેંચાતું પાણી ખૂબ જ મોટી માત્રામાં છે. પીજીવીસીએલના અધીક્ષક ઇજનેર એ.એસ. ગરવાનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે, 55,700 ખેતીવાડીના વીજજોડાણો કચ્છમાં અપાયાં છે. ખેતીવાળા વીજજોડાણ છે ત્યાં આઠ કલાક વીજપુરવઠો આપવામાં આવે છે અને જાણકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રોજ 60 કરોડ લિટર પાણી તળમાંથી ખેંચવામાં આવે છે. વરસાદ પડતો નથી અને ભૂગર્ભનાં જળ ખાલી થતા જાય છે તો આવનારા દિવસોમાં કચ્છની હાલત પણ ખરાબ થશે. તેવી ભીતિ જળ સંરક્ષણ સાથે સંકળાયેલા વર્તુળોએ વ્યક્ત કરી છે. યુ.પી.ના લખનૌના અમુક વિસ્તારમાં આઠ લાખ લોકો પીવાનાં પાણી માટે સવારે સાડા ચાર વાગ્યે ઊઠીને પાંચ કલાક લાઇનમાં ઊભા રહે છે ત્યારે તેમને પાણી મળે છે. આવા દિવસો કચ્છ માટે પણ દૂર નથી. જો નહીં જાગીએ તો આવા સંકેત નિષ્ણાતોએ આપ્યા હતા. એક બાજુ જમીન નીચેનું પાણી વધુ નીચે જાય છે અને જમીન ઉપર પાણી છે નહીં તો હાલત કેવી હશે એ માટે કચ્છમાં વર્ષોથી પાણી ઉપર અભ્યાસ કરી રહેલા યોગેશ જાડેજાનો સંપર્ક સાધ્યો તો તેમણે તો ચોંકાવનારી વાત કરી હતી. કચ્છમાં ઉપરાઉપરી દુકાળ પડે છે ને તળનાં પાણી ખાલી થતા જાય છે તો આગળ જતાં શું હાલત થશે એ બાબતે કોઇ જાણતા નથી. આવનારા દિવસોમાં ભૂગર્ભજળ નહીં રહે તે વાત સાચી છે અને ગુણવત્તા તો અત્યારે જ ઘટી ગઇ છે. ખેડૂતો, ઉદ્યોગકારો અને પા.પુ. બોર્ડના બોરવેલમાંથી સતત ખેંચાતાં પાણીનાં કારણે તળ ખાલી થતાં જાય છે. તેમણે એવી ભીતિ વ્યક્ત કરી કે જો હવે વરસાદ નહીં પડે અને કોઇ નહીં ચેતે અને આમ જ ચાલ્યા રાખશે તો 2022/23માં કદાચ જમીનમાં કયાંય પાણી નહીં રહે. અગાઉ કચ્છના જે વિસ્તારમાં ભૂગર્ભજળ ઊંડા ઊતરતા હતા ત્યાં ડાર્ક ઝોન વિસ્તાર હતો, હવે તે પણ ઉઠાવી લેવાયા પછી પાંચ હજાર બોરવેલની સંખ્યા વધી ગઇ છે. આ તમામ પાસાઓ કચ્છ માટે સારાં નથી તેવું જાણકારોનું કહેવું છે. બે મહિના પહેલાં જ કચ્છમિત્રના મુંદરા ખાતેના પ્રતિનિધિ અશ્વિનભાઇ ઝિંઝુવાડિયાએ લખેલા હેવાલમાં વૈજ્ઞાનિક ડો. સી.એમ. મુરલીધરણને ટાંકીને લખ્યું છે કે ધ્રબ ખાતેના ખારેક સંશોધન કેન્દ્રમાં કરવામાં આવેલા 400 ફૂટના બોરવેલમાં 67 હજારની ટી.ડી.એસ. માત્રાવાળું પાણી નીકળ્યું છે. પાણીને લગતા આ તમામ પાસાઓ દુનિયાના તજજ્ઞોએ નિહાળ્યા છે એટલે જ પોતાનો મત વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં પાણી માટે યુદ્ધ થશે એટલે સરકાર, કચ્છના લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાગે અને ભૂગર્ભજળ બચાવે એ સમયનો તકાજો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer