વાગડ અને પચ્છમ પર સતત બીજા દિ''એ મેઘમહેર

વાગડ અને પચ્છમ પર સતત બીજા દિ''એ મેઘમહેર
ભુજ, તા. 26 : કચ્છના `ભાગ્ય વિધાતા' એવા મેઘરાજાએ ગઇકાલે જિલ્લાના કેટલાક વિસ્તારમાં હેત વરસાવ્યા પછી આજે બીજા દિવસે વાગડના અમુક ભાગમાં મુકામ કર્યો હોય તેમ લટાર મારતાં સારા ચોમાસાંની આશા વધુ પ્રબળ બની છે. રાપર તાલુકાના નીલપર, ડાભુંડા, સઇ પટ્ટીના ગામોમાં વીજળીના કડાકા સાથે શાનદાર વૃષ્ટિ થતાં બે ઇંચ પાણી વરસી પડયું હતું. તો ગાગોદરમાં એક ઇંચ શાંત વરસાદના વાવડ છે. જ્યારે ભચાઉમાં ઝાપટાંથી થોડી ઠંડક પ્રસરી હતી તે સિવાય તાલુકાના કંથકેટ, તોરણિયા અને વામકામાં એક ઇંચ જેટલી મહેર થઇ હતી. જ્યારે અંજાર તાલુકાને જોડતી બન્નીમાં ઝાપટાંએ મોજ કરાવી હતી. રાપરથી પ્રતિનિધિ નિમેષ મોરબિયા અને સૂર્યશંકર ગોરના હેવાલ અનુસાર સખત ઉકળાટ બાદ બપોરે તાલુકાના કેટલાક ગામોમાં ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા ફરીવળ્યા હતા. નીલપર ડેમમાં 10 ફૂટ પાણી આવ્યું તાલુકાના નીલપર ગામના અગ્રણી સતુભા જાડેજાએ ઉમેર્યું હતું કે, દોઢ કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. આના લીધે તળાવડીમાં નવા નીર આવ્યા હતા તો સોમવાર અને આજના બે ઇંચ સહિત કુલ બે ઇંચ પાણી વરસી જતાં ડેમમાં 10 ફૂટ નવા પાણીની આવક થઇ હતી. આમ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે. ડાભુંડામાંયે વાવણી લાયક જ્યારે ડાભુંડાથી બનેસંગ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ગામે પણ અંદાજિત બે ઇંચ વરસાદ થયો હતો અને ખેડૂતો માટે વાવણીનો જોગ થયો છે જ્યારે સઇથી અગ્રણી ગોવાભાઇ પટેલે સારા વરસાદના વાવડ આપ્યા હતા. રાપરને હાથતાળી ઉત્તરથી દક્ષિણ તરફની મેઘ સવારીએ મુખ્ય મથક રાપરને અમીછાંટણા સાથે હાથતાળી આપીને દખ્ખણ દિશામાં ડાભુંડા સઇ તરફ  પસંદગી ઉતારી હતી. તો રવ અને રવેચીમાં પણ મેઘ મહેરના વાવડ ભાવેશ રાજગોરે આપ્યા હતા જો કે આ વર્ષ સારું જશે તેવો આશાવાદ પૂ. દેવલમાએ વ્યક્ત કર્યે હતો. ગાગોદરમાં એક ઇંચ ગાગોદરમાં પણ દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ થયો હતો. ધીમી ધારે હોવાથી ખેડૂતોને લાભ થશે તેવું વાગડ માનવ વિકાસ ટ્રસ્ટના ધારાભાઇ કલા ભરવાડે જણાવ્યું હતું. વામકા પંથકમાં મહેર ભચાઉથી પ્રતિનિધિ કમલેશ?ઠક્કરના હેવાલ અનુસાર વરસાદની આબાલ-વૃદ્ધ, જીવસૃષ્ટિ ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે ત્યારે ભાદરવાથી પણ વિચિત્ર?આ વરસાદે અનેક ગામડાઓને મેઘમહેરથી અલીપ્ત રાખ્યા હતા. લુણવા-ચોપડવા પટમાં ગામડાં કોરાધાકોર રહ્યા હતા તો આનાથી વિપરીત કંથકોટ, વામકા, હલરા, તોરણિયા ગામે થોડા સમયમાં જ અંદાજિત એકાદ ઇંચ વરસાદ પડી જવાથી ખેડૂતોમાં આનંદ છવાઇ?ગયો હતો. આ વરસાદે વાવણી થઇ?જશે એવું ભચાઉ?તાલુકા કોંગીના પ્રમુખ બળવંતસિંહ જાડેજાએ કહ્યું હતું. દરમ્યાન, આધોઇ?ગામ અને તેના વીજ સબસ્ટેશનમાંથી વીજળીનો અપાતો પુરવઠો વરસાદને પગલે બંધ?થઇ?ગયો હતો. ભચાઉમાં વીજળી ગાયબ આધોઇના ગામો પણ વરસાદી ઝાપટાંને પગલે અંધારામાં ગરકાવ થઇ ગયા છે. કનૈયાલાલ નેણશીભાઇ શાહે કહ્યું કે, જોરદાર ઝાપટું હતું પરંતુ અડધા-પોણા ઇંચ જેવું પાણી પડયું હતું. ઉદેપુર વિસ્તારમાં પણ આ  સ્થિતિ હતી. વરસાદ થકી વીજળી તરત વેરણ થઇ હતી એવું માજી સરપંચ જશુભા કલુભા જાડેજાએ  સામખિયાળીના પ્રતિનિધિ મયૂર ઠક્કરને જણાવ્યું હતું. ભચાઉમાં સાડાચાર પછી વરસાદી  માહોલ સર્જાયા બાદ વીજળી ગાયબ થઇ ગઇ હતી. પુન: પોણા સાતેક વાગ્યે આવી હતી. ભચાઉ તાલુકા પ્રતિનિધિ મનસુખભાઇ ઠક્કરે કહ્યું હતું કે, ભચાઉમાં આજે 14 મિ.મી. વરસાદ થયો હતો. નંદગામે એક ઇંચ નંદગામ વિસ્તારમાં ધીમી ધારે એકથી સવા ઇંચ જેટલું અંદાજિત પાણી પડયું હોવાનું રામજીભાઇ આહીરે જણાવ્યું હતું. આ વરસાદને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આહીર પરિવારો ગામમાં લટાર મારવા નીકળી પડયા હતા. નાના બાળકો શેરીમાં છબછબિયા કરતા દેખાયા હતા. પચ્છમમાં હેલી વરસી ખાવડાના પ્રતિનિધિ હીરાલાલ રાજદેના હેવાલ અનુસાર ભુજ તાલુકાના સરહદી પચ્છમ પંથકમાં ખાવડાથી પૂર્વ તરફના દેઢિયા, જુણા, કાઢવાંઢ, જામકુનરિયા, તુગા સહિતની પટ્ટીમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ મીઠી મેઘમહેર વરસી છે તેવું તુગાના અગ્રણી હાજીરાયસલભા ?નબાએ ઉમેર્યું હતું. પચ્છમમાં પશુઓ માટે પાણીપ્રશ્ન હળવો બન્યો ખાવડા-બન્ની વિસ્તારના દેઢિયા, જુણા, જામકુંડરિયા, તુગા, કાઢવાંઢમાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડતાં નદીઓમાં જોશભેર પાણી આવ્યાં હોવાનું તુગાના હાજી રાયસલે જણાવ્યું હતું. ખાવડામાં સાંજે 7.30 વાગ્યે ધોધમાર ઝાપટું પડતાં માત્ર 10 મિનિટમાં જ અડધા ઈંચ જેવું પાણી વરસી ગયું હતું તેવું ખાવડા પ્રતિનિધિ હીરાલાલ રાજદેએ જણાવી ઉમેર્યું હતું કે, હજુ આકાશમાં વાદળો ઘેરાયેલા છે. ગાજવીજ પણ ચાલુ છે. નાના દિનારાથી અમારા પ્રતિનિધિ ફઝલ સમાએ જણાવ્યું હતું કે, પચ્છમ વિસ્તારમાં આજે અડધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો. ગઈકાલે થયેલી મેઘમહેર થકી કાળા ડુંગરની તળેટી વિસ્તારમાં આવેલા સિંચાઈના તળાવો ભરાઈ ગયા છે. નરેગા કામના ફઝલવાંઢ, અલૈયાવાંઢ, હારૂનવાંઢના તળાવમાં પણ નવા નીર આવ્યા છે. આમ પચ્છમ બાજુ પાણીનો પ્રશ્ન હળવો થતાં માલધારીઓમાં ખુશી વ્યાપી હોવાનું તેમણે જણાવ્યું હતું. આધોઈનાં મકાનનાં સ્વીચ  બોર્ડમાં વીજળી પડી આધોઈના શાહુનગર વસાહત સેક્ટર-4માં આવેલા સામાભાઈ બગડાના રહેણાક મકાનની ટોચે આવેલા ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડમાં વીજળી પડી હતી. આસપાસના રહીશોમાં વીજળીના કડાકાથી ભય ફેલાયો હતો. સદ્ભાગ્યે આસપાસ કોઈ ન હોવાથી ઈજા જેવી ઘટના બની ન હતી. ચિત્રોડમાં દોઢ કલાકમાં અઢીથી ત્રણ ઈંચ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 5.30 વાગ્યા સુધી વરસ્યો હતો. આ દોઢ કલાકમાં આભમાંથી અઢીથી ત્રણ ઈંચ જેટલું પાણી પડયું હોવાનું જયેન્દ્ર રાજગોરે જણાવ્યું હતું. આ વરસાદનાં પગલે બાળકો મોજમાં આવી ન્હાવા નીકળી પડયા હતા. ઠેર-ઠેર પાણી વહ્યા હતા. ભચાઉ તાલુકાના સામખિયાળીથી કાંઠાપટ્ટીના જંગી, વાંઢિયા, લલિયાણા, આંબલિયારા, છાડવાડા સહિતના ગામોમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ થયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. બપોર બાદ શરૂ થયેલા વરસાદથી જંગી ગામની ગલીઓમાં પાણી વહી નીકળ્યાનું શેરમામદ રાઉમાએ જણાવ્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer