બોગસ ડોક્ટરો પાસેથી હપ્તા લેવાના આક્ષેપથી ધ્રુજારો

બોગસ ડોક્ટરો પાસેથી હપ્તા લેવાના આક્ષેપથી ધ્રુજારો
ભુજ, તા. 26 : જિલ્લા પંચાયતની આજની સામાન્યસભામાં વિપક્ષી સભ્યે બોગસ ડોક્ટરો પાસેથી હપ્તા લેવાનું બંધ કરો એવો આક્ષેપ કરતાં ઉગ્ર બોલાચાલીથી બેઠક તોફાની બની હતી જેને પગલે સામાન્યસભાએ એક તબક્કે અસામાન્ય રૂપ લીધું હતું. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના અધ્યક્ષપદે યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષે ઓડિટ પારાના જવાબને બહાલી આપવા પહેલાં તેના વંચાણનો આગ્રહ રાખી વિવિધ કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલાત કરાઇ છે કે છાવરાયા છે તેવો સવાલ ઉઠાવતાં વાતાવરણ ગરમાયું હતું. જો કે, સત્તા પક્ષના સભ્યોએ બહુમતીથી બહાલી આપી હતી. પ્રમુખ શ્રી સોઢાએ તમામ તાલુકામાં જીસીબીસીઆર અમલી કરાયા હોવાનું, અંજાર, મુંદરા, રાપર અને ખાવડાના જર્જરિત આરામગૃહ તોડી પડાશે તેવું જણાવ્યું હતું. પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને લક્ષ્મીબેન આહીરે પણ પ્રશ્ન પૂછ્યા હતા તે મુદ્દે વિપક્ષે કટાક્ષમાં કહ્યું કે શાસક પક્ષને પણ પ્રશ્ન પૂછવા પડે તે નારાજગી ગણાય તેવું કહી તેમને પણ અધિકારીઓ જવાબ નથી આપતા તેવો સવાલ  ઉઠાવ્યો હતો. સચિવ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ સંચાલન કર્યું હતું અને વિપક્ષી સભ્યોના સવાલોના મુદ્દે બેઠક બોલાવી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. જેમાં વર્કઓર્ડર આપ્યા છતાં કામો ચાલુ નથી કરાતા, આંગણવાડીના હેલ્પર-વર્કરની ખાલી જગ્યા ભરતી નિયમોમાં છૂટછાટ  આપવા, શહેરી વિસ્તારમાં શિક્ષણ ઉપકરની એફડીના વ્યાજમાંથી શિક્ષકો નિમવા, શાળાઓની દીવાલના કામો વગેરેનો સમાવેશ થતો હતો. વિપક્ષી નેતા વી. કે. હુંબલે પહેલા ધોરણમાં દાખલ થયેલા બાળકોની વિગતો માગી હતી. પ્રા. શિક્ષણાધિકારી શ્રી પરમારે ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાંથી ઘણા બાળકો સરકારી શાળામાં આવ્યા હોવાનું જણાવતાં સત્તાપક્ષ સાથે વિપક્ષે પણ આવકાર આપ્યો હતો. શ્રી હુંબલે લઘુમતી શાળાઓ કેટલી, માન્યતાના નિયમો તેમજ બાળકોને પ્રવેશ નથી અપાતો તેવા પ્રશ્નોની ઝડી વરસાવી હતી. જિલ્લાફેરના કેમ્પ સામે વાંધો ઉઠાવી કચ્છમાં શિક્ષક ઘટ છે ત્યારે છૂટા કરાય નહીં તેવું સૂચન કરતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવીએ જણાવ્યું કે, હજુ સુધી ક્યાંય છૂટા કર્યા નથી. પ્રવાસી શિક્ષકો નિમાવાની કાર્યવાહી થઇ ગઇ છે. ભચાઉમાં ટીડીઓનો ચાર્જ નિયમના દાયરામાં નથી અપાયો તે વિશે ખુલાસો માગતાં ડીડીઓ શ્રી જોષીએ વરિષ્ઠ કર્મચારી, વિસ્તરણ અધિકારી (સહકાર) હોવાથી તેમને સોંપાયો છે. તે રજામાં હોવાથી હાલ મદદનીશ ટીડીઓને વહીવટ સોંપાયો હોવાની સ્પષ્ટતા કરી હતી. વિપક્ષી દંડક તકીશા સૈયદનો એક પણ પ્રશ્ન પ્રશ્નોત્તરીની ચિઠ્ઠીઓમાં ન નીકળતાં મંચ પાસે ધસી જઇ ઉગ્ર રજૂઆત કરી હતી. બાદમાં સભા છોડી ગયા હતા. વિપક્ષી ઉપનેતા કિશોરસિંહ જાડેજાએ 1384 શિક્ષકોની ઘટ છે ત્યારે સરકાર શાળા ઉત્સવને બદલે ભરતી ઉત્સવ યોજે તેવું સૂચન કર્યું હતું. અબડાસા-લખપતમાં સિંચાઇના કામો તાત્કાલિક ચાલુ કરાવવા,આંગણવાડીઓમાં આરો પ્લાન્ટ બેસાડવા, આરોગ્ય કેન્દ્રોમાં ભરતી કરવાની માંગ કરી હતી. પાણી, ઘાસચારા, રસ્તાની મરંમત, પંચાયતઘર, આંગણવાડીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિપક્ષી સભ્ય હઠુભા સોઢાએ છેલ્લા ચાર વર્ષથી શિક્ષકોની સમતુલા જાળવી શકાઇ નથી ત્યારે શિક્ષણ ઉપકરમાંથી શિક્ષકો નિમવા, નિવૃત્ત શિક્ષકોની સેવા લેવા, તેમણે રસ્તાના એસ્ટિમેટ એજન્સી બનાવતી હોવાને ગંભીર બાબત ગણાવી હતી. બરંદા દવાખાનામાં ઘટનો મુદ્દો ઉઠાવી લખપતમાં તબીબો ન  હોવાથી દર્દીઓ બોગસ ડોક્ટરો પાસે જાય છે અને મોતને ભેટે છે તેવું કહી બોગસ ડોક્ટરો પાસેથી હપ્તા લેવાતા હોવાનું કહેતાં ડીડીઓએ પુરાવા આપો તો પગલાં ભરવાનું કહેતાં આપસી ઉગ્ર બોલાચાલી લાંબી ચાલી હતી. ઉપપ્રમુખ નિયતિબેન પોકાર મંચસ્થ રહ્યા હતા. હરિભાઇ જાંટિયા, અરવિંદ પિંડોરિયા, ભીમજીભાઇ જોધાણી, ભાવનાબા જાડેજા, વસંત વાઘેલા, પાર્વતીબેન મોતા, મનીષાબેન કેશવાણી, કેસરબેન મહેશ્વરી, વિપક્ષમાં સલીમ જત, હરિભાઇ ગાગલ સહિતના સભ્યો અને શાળાધ્યક્ષો હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer