ભુજમાં નીકળી મગફળીની `સ્મશાનયાત્રા''

ભુજમાં નીકળી મગફળીની `સ્મશાનયાત્રા''
ભુજ, તા. 26 : ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં થયેલા કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મગફળીની ગૂણીની સ્મશાન યાત્રા કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયા મુજબ વર્ષ 2017-18માં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા નાફેડના માધ્યમથી વિવિધ એજન્સીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઇ હતી. સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી બધા જ નીતિ નિયમનું પાલન કરી ગુણવત્તા સભર મગફળીની ખરીદી કરાઇ હતી. આ સોના જેવી મગફળીમાં ધૂળ, ઢેંફા, કાંકરા, ફોફા, કાંધુ, પથ્થર ભેળવી સરકારના રાજ્ય વખાર નિગમ હસ્તકની વખારોમાં જથ્થાને સંગ્રહ કરાયો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા આ કૌભાંડ બહાર લવાયું હતું. પરંતુ આ કૌભાંડ દબાવવા પ્રયાસો કરાયા હતા. તાજેતરમાં ગાંધીધામ સ્થિત કિરણ એચ. પુંજ કંપનીના વિનાયક ત્રણ ગોડાઉન પર કિસાન કોંગ્રેસ, સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસો. ખેડૂત આગેવાનો દ્વારા જાહેર માધ્યમોને સાથે રાખી જનતા રેડ કરી ત્યારે તે ગોડાઉનમાં પડેલી બધી જ ગૂણીઓમાં મગફળી સાથે ધૂળ, ઢેંફા, કાંકરા વિ. હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ બાબતે અંજાર પ્રાંત અધિકારીને જાણ કરવા સાથે બી. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ દુ:ખની વાત એ છે કે, જિલ્લા તંત્ર, સરકાર કે નાફેડ દ્વારા છ દિવસ થવા છતાંય કોઇ કાર્યવાહી કરાઇ નહીં અને ગોડાઉનમાં માત્ર તાળું મારવામાં આવ્યું હોવાનું જણાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે ભુજમાં પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા તથા જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ અગ્રણીઓ, હોદેદારો, સભ્યો દ્વારા મગફળીની ગૂણીની સ્મશાન યાત્રા યોજી કલેકટરને આવેદન પત્ર આપી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer